
સિલવાસા,17 જૂન (હિ.સ.) દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના બંને લોકસભા મતવિસ્તારોમાં ચાલી રહેલા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) અભિયાન અંતર્ગત ગણના પ્રપત્રો (Enumeration Forms - EFs) ના વિતરણ અને સંગ્રહની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બૂથ લેવલ અધિકારીઓ (BLOs) દ્વારા દરરોજ તમામ મતદાન મથકોના વિસ્તાર મતદારો સુધી પહોંચી ગણના પ્રપત્રોનું વિતરણ અને સંગ્રહ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં કુલ 1,95,242 મતદારોને ગણના પ્રપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કુલ મતદારોના 45.61 ટકા જેટલું છે. ઉપરાંત, BLO દ્વારા ઘર-ઘર મુલાકાત લઈ ભરેલા પ્રપત્રો એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધી 4,668 પ્રપત્રો (1.09 ટકા) એકત્ર કરવામાં આવ્યા છે.વિસ્તાર મુલાકાત દરમિયાન BLO દ્વારા મતદારોની વિગતોનું ચકાસણું કરવામાં આવી રહ્યું છે તેમજ ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ કામગીરીમાં બૂથ લેવલ એજન્ટ્સ (BLAs) સાથે સંકલન સાધી મતદાર યાદીને વધુ સચોટ અને અપડેટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીએ તમામ મતદારોને અપીલ કરી છે કે તેઓ BLO સાથે સહકાર આપે, સમયમર્યાદામાં ભરેલા ગણના પ્રપત્રો જમા કરાવે અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે જેથી મતદાર યાદીમાં સાચી અને અદ્યતન માહિતી જાળવી શકાય.અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે નિર્ધારિત સમયગાળા દરમિયાન એકત્રિત ન થઈ શકેલા ગણના પ્રપત્રોની ભાગવાર (Part-wise) યાદી તૈયાર કરવામાં આવશે અને EF સંગ્રહ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેની અસ્થાયી યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. કોઈપણ મુશ્કેલી કે માહિતી માટે મતદારો પોતાના સંબંધિત BLO અથવા ERO કચેરીનો સંપર્ક કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha