
નવી દિલ્હી, 17 જૂન (હિ.સ.) મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર હલચલ તેજ થઈ ગઈ છે. શિવસેના (યુબીટી)ના ઘણા સાંસદો બાગી થઈ રહ્યા હોવાની અટકળો વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કથિત બાગી સાંસદો પર તીખો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે જો કોઈને પાર્ટી છોડવી હોય તો પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને ત્યાર બાદ જ કોઈ અન્ય રાજકીય નિર્ણય લેવો જોઈએ.
દિલ્હીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સંજય રાઉતે આરોપ લગાવ્યો કે, પાર્ટીના કેટલાક સાંસદોને દલબદલ માટે 15-15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો કે, બાદમાં આ સાંસદોને ચાર્ટર્ડ વિમાનો દ્વારા અલગ-અલગ સ્થળોથી લઈ જવાયા. જોકે તેમણે પોતાના આરોપોના સમર્થનમાં કોઈ સીધું પુરાવું જાહેર કર્યું નથી.
રાઉતે જણાવ્યું કે, પાર્ટીમાં ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને આવતીકાલે થનારી સંસદીય પક્ષની બેઠક માટે વ્હિપ જારી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તમામ સાંસદોને બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સાથે જ તેમણે માહિતી આપી કે, પાર્ટીના સાંસદ અરવિંદ સાંવતે આ સમગ્ર મામલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે.
બાગી વલણ અપનાવનારા નેતાઓને નિશાન બનાવતા રાઉતે કહ્યું કે, પાર્ટી સાથે વિશ્વાસઘાત કરનારાઓને બક્ષવામાં નહીં આવે. તેમણે મીડિયાને પણ અપીલ કરી કે તેમના નિવેદનોને સંપૂર્ણ રીતે બતાવવામાં આવે અને કોઈપણ ટિપ્પણીને સંદર્ભથી કાપીને પ્રસારિત ન કરવામાં આવે.
આ દરમિયાન સાંસદ અરવિંદ સાંવતે કહ્યું, અમે સંવિધાનની રક્ષા મુદ્દે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. અત્યાર સુધી કોઈપણ પાર્ટી નેતાએ અમને એવું નથી જણાવ્યું કે તેઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી)ના 9 લોકસભા સાંસદોમાંથી 6 થી 7 સાંસદો બાગી થઈ રહ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ છે. સમાચાર છે કે, આ સાંસદો મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળા શિવસેના જૂથમાં સામેલ થઈ શકે છે. સાથે જ લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરીને અલગ સંસદીય જૂથને માન્યતા આપવાની પ્રક્રિયા શરૂ કરવાની પણ ચર્ચા છે.
જોકે હજુ સુધી કોઈ સાંસદે જાહેરમાં પાર્ટી છોડવાની જાહેરાત કરી નથી. એવામાં આગામી દિવસોમાં શિવસેના (યુબીટી)ની રાજનીતિ અને મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો પર સૌની નજર ટકેલી છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ