
પાટણ, 17 જૂન (હિ.સ.) : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની સિધ્ધપુર શાખા દ્વારા આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્કના ગ્રાહકો અને સ્થાનિક અગ્રણીઓ સાથેના સંબંધો વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલા My Branch My Ambassador કાર્યક્રમ અંતર્ગત સિધ્ધપુરના જાણીતા યુવા ઉદ્યોગપતિ, બિલ્ડર અને સિધ્ધપુર નગરપાલિકાના સનિષ્ઠ કોર્પોરેટર આમીરખાન ઐયુબખાન પઠાણની SBI સિધ્ધપુર બ્રાન્ચના ઓફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે.
બેન્ક પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાખાના મેનેજર વિજયસિંહ ચૌહાન તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આમીરખાન પઠાણની સમાજ પ્રત્યેની નિષ્ઠા અને વ્યવસાયિક શાખને ધ્યાને લઈને આ બહુમાન આપવામાં આવ્યું હતું. મહાનુભાવો હસ્તે તેમને 'My Branch My Ambassador' અંકિત ખાસ ટ્રોફી એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સિધ્ધપુરના વેપારી મંડળો, નગરપાલિકાના સાથી સભ્યો અને મિત્ર વર્તુળ તરફથી આમીરખાન ઐયુબખાન પઠાણ પર અવિરત અભિનંદનની વર્ષા થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ