
દમણ,17 જૂન (હિ.સ.) દમણ યુવા સેવા અને રમતગમત વિભાગ દ્વારા સુબ્રોતો કપ ઈન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026ની જિલ્લા કક્ષાની ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત શાળાકીય ફૂટબોલ સ્પર્ધા 23 થી 25 જૂન, 2026 દરમિયાન મોટી દમણ સ્થિત દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
આ ટુર્નામેન્ટમાં જિલ્લાની વિવિધ શાળાઓના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ ભાગ લઈ પોતાની રમત કૌશલ્યનું પ્રદર્શન કરશે. સ્પર્ધા દ્વારા ખેલાડીઓને પોતાના શાળાનું પ્રતિનિધિત્વ કરવાની સાથે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળશે.
સુબ્રોતો કપ દેશની સૌથી પ્રતિષ્ઠિત શાળાકીય ફૂટબોલ ટુર્નામેન્ટોમાંની એક ગણાય છે, જેમાં સફળતા મેળવનાર ટીમો અને ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવાનો માર્ગ ખુલ્લો થાય છે.
યુવા સેવા અને રમતગમત વિભાગે જિલ્લાની તમામ પાત્ર શાળાઓ અને ખેલાડીઓને આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કર્યો છે. રમતગમત પ્રત્યેનો જુસ્સો, ટીમ ભાવના અને પ્રતિભા દર્શાવવા માટે આ સ્પર્ધા ઉત્તમ મંચ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha