

પોરબંદર, 17 જૂન (હિ.સ.) : પોરબંદરના આશાસ્પદ યુવાન ઉત્સવ ભટ્ટે રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર પોરબંદર જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘વિકસિત ભારત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ-2026' અંતર્ગત દેશભરમાંથી પસંદ કરાયેલા માત્ર 500 ફાઈનલિસ્ટ યુવાનોમાં ઉત્સવ ભટ્ટની પસંદગી કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ માટે દેશભરમાંથી 5 લાખથી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોએ ભાગ લીધો હતો.
કેન્દ્ર સરકારના MY Bharat Portal મારફતે તા. 10 મે થી 20 મે, 2026 દરમિયાન યોજાયેલી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા અને યોગ્યતા કસોટીમાં ઉત્સવ ભટ્ટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશના ટોપ 500 યુવાનોમાં સ્થાન મેળવ્યું છે.પસંદગી પ્રક્રિયાના અંતિમ ચરણ તરીકે હવે ઉત્સવ ભટ્ટ ભારત સરકારના વિશેષ પ્રતિનિધિ (વોલન્ટિયર) તરીકે હિમાચલ પ્રદેશના અતિ દુર્ગમ અને સંવેદનશીલ સરહદી વિસ્તારોની આઠ દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ રેકોંગ પીઓ અને સીપકી-લા સહિતના વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્ર, ITBP અને ભારતીય સેના સાથે સંકલન સાધી સરહદી વિકાસ, સ્થાનિક પર્યટન, કુદરતી આપત્તિ વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત વિષયો અંગે માહિતી અને અનુભવ મેળવશે.
ઉલ્લેખનીય છે કે ઉત્સવ ભટ્ટ હાલમાં પોરબંદર જિલ્લા યુવા મોરચાના સોશિયલ મીડિયા કન્વીનર તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. તેમની આ સિદ્ધિને લઈને પોરબંદર સહિત સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya