ભાવનગર જિલ્લામાં રહેતા આ મહિલા અલગ અલગ પ્રકારના સાબુનું વેચાણ કરી આત્મ નિર્ભર બન્યા.
ભાવનગર, 17 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામે રહેતા બારૈયા સવિતાબેન જેવો પોતાના ઘરેથી જ વિવિધ પ્રકારના હર્બલ અને કુદરતી સાબુ બનાવી સફળતાપૂર્વક સ્વરોજગાર કરી રહ્યા છે. પરિવારની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમણે આ વ્યવસાયની
સાબુ


ભાવનગર, 17 જૂન (હિ.સ.)ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામે રહેતા બારૈયા સવિતાબેન જેવો પોતાના ઘરેથી જ વિવિધ પ્રકારના હર્બલ અને કુદરતી સાબુ બનાવી સફળતાપૂર્વક સ્વરોજગાર કરી રહ્યા છે. પરિવારની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમણે આ વ્યવસાયની શરૂઆત કરી હતી, જે આજે તેમની માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બની ગયો છે.સવિતાબેન હાલમાં સાત અલગ-અલગ પ્રકારના સાબુ તૈયાર કરે છે. તેમના દ્વારા બનાવવામાં આવતા સાબુમાં કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી અને ત્વચા માટે સુરક્ષિત સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી લોકોમાં તેમના ઉત્પાદનોની માંગ સતત વધી રહી છે.

બાળકોના શિક્ષણનો ખર્ચ, ઘરખર્ચ તેમજ ખેતી સાથે જોડાયેલા નાના-મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે તેમણે આ કાર્ય શરૂ કર્યું હતું. શરૂઆતમાં નાના પાયે શરૂ કરાયેલો આ વ્યવસાય આજે સારી આવક આપતો બન્યો છે. ઘરકામ અને ખેતીની જવાબદારીઓ સાથે તેઓ નિયમિત રીતે સાબુ બનાવે છે અને સ્થાનિક બજારો તેમજ ગ્રાહકો સુધી તેનું વેચાણ કરે છે.તેમની મહેનત અને સતત પ્રયાસોના પરિણામે આજે તેઓ દર મહિને 10 હજાર રૂપિયાથી વધુની વધારાની આવક મેળવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રહીને પણ મહિલાઓ આત્મનિર્ભર બની શકે છે તેનું સવિતાબેન જીવંત ઉદાહરણ બની રહ્યા છે. તેમની સફળતા અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

આ અંગે સવિતાબેન બારૈયાએ જણાવજો કે હાલ હું ખેતીવાડી અને પશુપાલન જેવો નાનો વ્યવસાય કરી રહી છું પરંતુ તેમાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું હતું. મારા પરિવારમાં છ જેટલા વ્યક્તિઓ છે બાળકો ના અભ્યાસ માટેની ફી, ખેતી ખર્ચ વગેરે ખર્ચા લાગવાના કારણે આર્થિક મુશ્કેલી થતી હતી. જેથી વિચાર આવ્યો કે મારે કોઈ વ્યવસાય કરવો છે જેથી કરીને હું મારા પતિ સાથે મારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકું. પાંચ થી છ વર્ષ પહેલાં હું સખી મંડળ સાથે જોડાય તેમાંથી લોન મેળવી આ અલગ અલગ પ્રકારના સાબુ તૈયાર કરવા માટેના ગૃહ ઉદ્યોગની તાલીમ મેળવી.

જ્યારે સાબુ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી ત્યારે મહિને 200 રૂપિયા, 300 રૂપિયાની આસપાસ વેચાણ થતું હતું પરંતુ ધીરે ધીરે લોકોને ખબર પડવા મળી કે આ હાનિકારક કેમિકલ નો ઉપયોગ કર્યા વગર સાબુ તૈયાર કરવામાં આવે છે જેથી તેની ખરીદી વધતી ગઈ અને આજે મહિને હું ઘર બેઠા 10,000 રૂપિયા સુધીના સાબુનું વેચાણ કરી રહી છું જેના થકી મારે એક આવકનો સ્ત્રોત ઊભો થયો છે અને પરિવારજનોને હું આર્થિક રીતે મદદરૂપ બની શકું છું જ્યાં સુધી ખેતીમાં પાક તૈયાર ન થાય ત્યાં સુધી આ આવકમાંથી અમે ઘર ખર્ચ અને અન્ય ખર્ચાઓ કાઢીએ છીએ. ફક્ત આસપાસના વિસ્તાર જ નહીં પરંતુ અન્ય મોટા શહેરોમાંથી પણ આ સાબુ ના ઓર્ડર આવે છે અને કુરિયર મારફતે તેમને હું મોકલી આપું છું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande