


વડોદરા , 17 જૂન (હિ.સ.) : વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાણીગેટ વિસ્તારમાં કચરો ફેંકતા ઝડપાયેલી એક દુકાનને સીલ કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14 વિસ્તારમાં આવેલી પાણીગેટ વિસ્તારમાં જાહેર સ્થળે કચરો ફેંકવાના મામલે 'આશિષ ઝીનગાર લાઈનિંગ વર્ક્સ' સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વોર્ડ નંબર 14ની ટીમે સ્થળ પર જ તપાસ કરી દુકાનને સીલ કરી દીધી હતી. આ ઉપરાંત દુકાનદારને ₹5,000નો દંડ ફટકારી કાયદેસરની નોટિસ પણ આપવામાં આવી હતી. પાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે ભવિષ્યમાં ફરી આવી ગેરરીતિ સામે આવશે તો વધુ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ નાગરિકો અને વેપારીઓને અપીલ કરી છે કે કચરો જાહેર સ્થળે ન ફેંકે અને કચરાપેટી અથવા ડોર-ટુ-ડોર કલેક્શન સેવાનો ઉપયોગ કરે, જેથી શહેરને સ્વચ્છ રાખવામાં સૌનો સહયોગ મળી રહે. સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા VMC હવે નિયમભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવી રહી છે, ત્યારે શહેરવાસીઓએ પણ સ્વચ્છ વડોદરા માટે પોતાની જવાબદારી નિભાવવાની જરૂર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ