
વલસાડ, 17 જૂન (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી શાહરૂખ અલ્લારખુ શેખ (ઉ.વ. 33), રહે. અબ્રામા રોડ, નવરંગ ફળિયા, રેલવે યાર્ડ, વલસાડને એલસીબીની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતા ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપી સામે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65(A)(E), 81 અને 116(B) હેઠળ ગુનો નોંધાયેલ છે. વધુ તપાસ માટે આરોપીને વલસાડ સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ પારડી, વડોદરા, અંકલેશ્વર અને વલસાડ રેલવે પોલીસ સ્ટેશન સહિત વિવિધ સ્થળોએ પ્રોહીબિશન એક્ટના કુલ છ ગુનાઓ નોંધાયેલા છે.
આ કામગીરી એલસીબી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.જી. વસાવા, એએસઆઈ જીતેન્દ્ર વજીરભાઈ, આ.હે.કો. ઓમપ્રકાશસિંહ રણબહાદુરસિંહ, અ.પો.કો. નિતીન બાબુલાલ, અ.પો.કો. ઘનશ્યામસિંહ બળવંતસિંહ અને આ.પો.કો. સ્વપ્નીલ હેમંતભાઈ સહિતની ટીમે સફળતાપૂર્વક અંજામ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha