
વાપી, 17 જૂન (હિ.સ.) : વાપી મહાનગરપાલિકા દ્વારા આજે ચલા ઝોન ઓફિસ ખાતે UCD શાખાના આયોજન હેઠળ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર એન.એફ. ચૌધરી, મેયર દક્ષા પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ સતીષ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેશ પટેલ તેમજ કોર્પોરેટર જયેશ કંસારા ઉપસ્થિત રહ્યા હતા. શિબિરનો મુખ્ય હેતુ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાનો તેમજ પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ અપાવવાનો હતો. વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ શિબિરમાં પી.એમ. સ્વનિધિ યોજના, પી.એમ. સૂર્યઘર યોજના, આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમોશ્રી યોજના, ફ્રીશીપ કાર્ડ અને શાળા-કોલેજ પ્રવેશ સહાય સહિત આશરે 15 જેટલી યોજનાઓ માટે માર્ગદર્શન, અરજી સહાય અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ નવી અરજીઓ સ્વીકારી લાભાર્થીઓને યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં પાત્ર લાભાર્થીઓએ હાજરી આપી યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કાર્યક્રમનું આયોજન વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કિરણસિંહ એમ. રાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ઓફિસર રાકેશ ઠક્કર, સમાજ સંગઠક વીણાબેન કહાર તથા સિટી મેનેજર કૃતિકાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha