


પોરબંદર, 17 જૂન (હિ.સ.) : કુતિયાણા તાલુકાના કુતિયાણા ગામે કુતિયાણા-પાસવારી રોડ નજીક ભાદર નદીમાંથી છૂટા પડતો વોકળો, જે ભાદર નદીના પાણીને કોટડા-ભોડદર ગામના સીમાડા સુધી પહોંચાડી મીણસાર નદીના પાણી સાથે ભેળવે છે, તે વર્ષો દરમિયાન અંદાજે 400 થી 450 મીટર લંબાઈ સુધી સંપૂર્ણપણે બુરાઈ ગયો હતો.પરિણામે હેઠવાસના માલ, કોટડા, ભોડદર સહિતના ગામોને સમયાંતરે ભાદર નદીના પાણીનો લાભ ખૂબ જ ઓછો મળતો હતો.
હવે સિંચાઈ વિભાગ દ્વારા ઘેડ વિસ્તારના કામોના પ્રથમ તબક્કા હેઠળ આ મહત્વપૂર્ણ અવરોધને સંપૂર્ણપણે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોટી સંખ્યામાં મશીનરીનો ઉપયોગ કરીને 400 થી 450 મીટર લાંબા અવરોધના નિકાલનું કાર્ય જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે.આ કામગીરી શરૂ થતાં જ વિસ્તારના ખેડૂતો અને નાગરિકોમાં આનંદ અને આશાની લાગણી છવાઈ ગઈ છે. ખેડૂતોનું માનવું છે કે વોકળો પુનઃ કાર્યરત બનતાં ભાદર નદીનું પાણી હેઠવાસના વિસ્તારો સુધી વધુ અસરકારક રીતે પહોંચી શકશે, જેના કારણે ખેતી અને જળસંચયને લાભ મળશે.ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ કામગીરી સિંચાઈ વિભાગ અને પોલીસ વિભાગના સંકલનથી શરૂ કરવામાં આવી છે, જેથી કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કામ ઝડપી અને સુચારુ રીતે પૂર્ણ થઈ શકે. સ્થાનિક લોકો દ્વારા વિભાગની આ સરાહનીય પહેલને આવકારવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya