

પાટણ, 17 જૂન (હિ.સ.) : સિધ્ધપુરની હોટલ સિદ્ધાર્થ ખાતે ફિલ્ડ પત્રકાર યુનિયનના નેજા હેઠળ સભ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ હોદ્દાઓ મેળવનાર યુનિયનના સભ્યો તેમજ તેમના પરિવારજનોનું સાલ અને મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.
સિધ્ધપુર ખાતે ફિલ્ડ પત્રકાર યુનિયન સાથે સંકળાયેલા સભ્યોનો તેઓએ વિવિધ ક્ષેત્રે પ્રાપ્ત કરેલા હોદ્દાઓ બદલ સન્માન સમારંભ યોજાઈ ગયો. આ પ્રસંગે પત્રકાર યુનિયનના સક્રિય સિનિયર સભ્ય પ્રવીણભાઈ દરજીની તાજેતરમાં શ્રી વઢીયાર ગોળ દરજી સુથાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થઈ તે બદલ સન્માન કરાયું હતું. આ ઉપરાંત સિનિયર સભ્ય નિરંજનભાઇ ઠાકરના ધર્મપત્ની સોનલબેન ઠાકર તેમજ રશ્મિનભાઈ દવેના ધર્મપત્ની તન્વીબેન દવે તાજેતરમાં સિધ્ધપુર નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા તે બદલ તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. યુનિયનના સભ્ય તેમજ તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે વિજેતા બનેલા અને સ્ટેટ બેંકની સિદ્ધપુર શાખાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વરાયેલા આમિરખાન પઠાણ સહિત ચારેય મહાનુભાવોનું ફિલ્ડ પત્રકાર યુનિયન દ્વારા સાલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ફિલ્ડ પત્રકાર યુનિયનના સિનિયર સભ્ય નિરંજનભાઇ ઠાકર, જેડી પટેલ તથા કમલેશભાઈ ઠાકર દ્વારા ચારેય મહાનુભાવોને તેઓએ મેળવેલી સિદ્ધિ બદલ બિરદાવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી ફિલ્ડ પત્રકાર યુનિયન તથા સિધ્ધપુરનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સિદ્ધપુર ફિલ્ડ પત્રકાર યુનિયન સિદ્ધપુર સહિતના વિસ્તારમાં સામાજિક અને સેવાભાવી પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપવા સહિત વિસ્તારના પ્રજાકીય પ્રશ્નોને વાંચા આપી પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. આ પ્રસંગે ભવિષ્યમાં યુનિયન દ્વારા થનારા વિવિધ કાર્યોની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ