(અપડેટ) વડોદરામાં વહેલી સવારે ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની લકઝરી ઘૂસી, 6ના મોત,27 ઈજાગ્રસ્ત
વડોદરા,17 જૂન(હિ.સ.) વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક બુધવાર વહેલી સવારે 4 વાગ્યા આસપાસ રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની રાજસ્થાનના બાસવાડા થી સુરત જતી લક્ઝરી બસના ચાલકે ટક્કર મારી હતી. લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર
(અપડેટ) વડોદરામાં વહેલી સવારે ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની લકઝરી ઘૂસી, 6ના મોત,27 ઈજાગ્રસ્ત


વડોદરા,17 જૂન(હિ.સ.) વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક બુધવાર વહેલી સવારે 4 વાગ્યા આસપાસ રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની રાજસ્થાનના બાસવાડા થી સુરત જતી લક્ઝરી બસના ચાલકે ટક્કર મારી હતી. લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6ના મોત થયા જેમાં એક નવ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તથા 27 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડા થી સુરત જતી હતી તે દરમિયાન વડોદરામાં આ અકસ્માત સર્જાયો હતો. બસમાં અનેક મુસાફરો ફસાયાની માહિતી મળતા જ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.

એસડીઆરએફ, એનડીઆરએફ અને વડોદરા ફાયર વિભાગની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. બાદમાં ટ્રક અને લક્ઝરી હટાવી રોડ ક્લિયર કરાયો હતો.

એનડીઆરએફના 6 બટાલિયન કમાન્ડન્ટ સુરેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે આજે સવારે 4:40 વાગ્યે કંટ્રોલ રૂમમાં માહિતી મળી હતી કે કોટંબી સ્ટેડિયમ પાસે એક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. માહિતી મળતા જ એનડીઆરએફ ની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ત્યાં પહોંચીને જોયું તો એક પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટીમે કટીંગ ટુલ્સ અને અન્ય અદ્યતન સાધનોનો ઉપયોગ કરીને તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

આ ઓપરેશનમાં અત્યાર સુધી 24 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 5 મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હજુ પણ કોઈ અંદર ફસાયેલું છે કે નહીં. આ ચકાસણી પૂર્ણ થયા બાદ ઓપરેશન પૂરું કરવામાં આવશે.

એનડીઆરએફની 2 ટીમો ઉપરાંત એસડીઆરએફ, સિવિલ પોલીસ અને ફાયર સર્વિસની ટીમો પણ આ બચાવ કામગીરીમાં સાથે મળીને કામ કરી રહી હતી.

વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું કે વહેલી સવારે અંદાજે 3:30થી 4 વાગ્યાની વચ્ચે કોટંબી સ્ટેડિયમની બહાર રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી એક પ્રાઈવેટ લક્ઝરી બસ કોઈ કારણસર ત્યાં ઉભેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી.

અકસ્માતની સૂચના મળતા જ પોલીસ અને પ્રાથમિક સારવાર માટેની જરૂરી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે દર્દીઓને સામાન્ય ઈજાઓ હતી, તેઓને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓ અને મૃતકોને તાત્કાલિક એસએસ જી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે 3 લોકોના મોત થયા હતા, જેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ વિભાગમાં લઈ જવામાં આવ્યા છે. અંદાજે 26 જેટલા ગંભીર ઈજાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલના ઈમરજન્સી ટ્રોમા સેન્ટર વિભાગમાં લાવીને ખૂબ જ ચોકસાઈપૂર્વક સારવાર શરૂ કરવામાં આવી છે. આ પૈકી 1 દર્દીની સ્થિતિ અત્યંત નાજુક છે, જેને આઇસીયુ માં શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande