
ભાવનગર/અમદાવાદ, 17 જૂન (હિ.સ.) : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના ગઇકાલે સામે આવી હતી. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આવી એક ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં યુવકને સિંહે ફાડી ખાધોનિમઘટના સામે આવી જેમાં બાવળની ગીચ ઝાડીઓમાંથી યુવકનું વિકૃત માથું અને કપડાં મળ્યાં.
અમરેલી અને આસપાસના સિંહોના વિચરણના વિસ્તારોમાં માનવીઓ પર સિંહોના હિંસક હુમલાઓ વધી રહ્યા છે. હવે આવી જ ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બની છે, જ્યાં મહુવા નજીક શ્રમિક યુવકને સિંહે ફાડી ખાધો છે.
અમરેલીની ઘટનાની જેમ જ મહુવાની આ ઘટનામાં પણ યુવકનું માત્ર માથું જ મળ્યું છે.
ભાવનગર જિલ્લાના મહુવા નજીક પીંગલેશ્વર મહાદેવ જવાના માર્ગ પર ગઢડા ગામના 34 વર્ષીય યુવક પર સિંહે જીવલેણ હુમલો કરી તેને જંગલ તરફ ખેંચી જઈ ફાડી ખાધાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મહુવાબ ગઢડા ગામનો યુવાન નાગજી પ્રેમજીભાઈ ગુજરીયા મજૂરી કામ પૂર્ણ કરીને ગઈ રાત્રિના સમયે પગપાળા પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન પીંગલેશ્વર મહાદેવ નજીક અચાનક સિંહે તેમના પર હુમલો કર્યો અને તેમને જંગલ તરફ ખેંચી ગયો.
ઘટનાની જાણ થતાં ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા અને યુવકની શોધખોળ શરૂ કરી હતી. સાથે જ વન વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
શોધખોળ દરમિયાન બાવળની ગીચ ઝાડીઓમાંથી મૃતકના કપડાં તેમજ મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ દૃશ્ય જોઈ ગ્રામજનોમાં શોક અને ભયની લાગણી વ્યાપી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે મહુવા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ સહિતના જંગલી પ્રાણીઓના હુમલાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર વન વિભાગને માનવ વસાહત નજીક ફરી રહેલા સિંહોને દૂર ખસેડવા અને સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારવા સહિતના અસરકારક પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર માનવ-વન્યપ્રાણી સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ઉજાગર કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ