
સુરત, 17 જૂન (હિ.સ.) : પુણા ગામ વિસ્તારમાં રહેતી સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી ચાર વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હતું તેમજ સગીરાના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ચપ્પુ બતાવી સગીરાનું અપહરણ કરી ગયો હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પર્વતગામમાં ગીતાનગર સોસાયટીમાં રહેતો પ્રમોદ અગ્રવાલે છેલ્લા ચાર વર્ષથી 19 વર્ષ 10 મહિના 29 દિવસની સગીરા સાથે મિત્રતા કેળવી હતી. બાદમા સગીરાને હું તને પ્રેમ કરું છુ, કહી લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ અનેક વખત પોતાના ઘરે બોલાવી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. ગત 15મી જૂનના રોજ સગીરાના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી બળજબરીપૂર્વક લઈ જઈ પોતાના ઘરે રાખી હતી. ત્યાં ચપ્પુ જેવું હથિયાર બતાવી ડરાવવાની સાથે મારઝૂડ કરી અને છેડતી પણ કરી હતી. બનાવ અંગે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધી આરોપી પ્રમોદ અગ્રવાલની શોધખોળ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે