
મહેસાણા, 18 જૂન (હિ.સ.) મહેસાણા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંચુ વિલ્સનના અધ્યક્ષસ્થાને PC&PNDT જિલ્લા એડવાઇઝરી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જન્મ સમયે લિંગાનુપાત (SRB), પુત્રી ભ્રૂણહત્યા અટકાવવાના પ્રયાસો તથા PC&PNDT અધિનિયમના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લામાં લિંગાનુપાતની વર્તમાન સ્થિતિ, પુત્ર પ્રત્યેની પસંદગી અને પુત્રી પ્રત્યેની અવગણનાની માનસિકતા, લિંગ આધારિત ભેદભાવ તેમજ તેના સામાજિક પ્રભાવ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સાથે જ PC&PNDT અધિનિયમ અંગે સરપંચો અને સભ્યોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ બેઠકનું સંચાલન કરી કમિટી હેઠળ ચાલી રહેલી વિવિધ કામગીરી અને તેના પરિણામો અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. અધિકારીઓએ લિંગ સમતુલા જાળવવા માટે સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
બેઠકમાં PC&PNDT કમિટીના ચેરમેન આયેશાબેન, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કમિટીના સભ્યો તેમજ જિલ્લાના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દીકરી બચાવો અને લિંગ સમાનતા અંગે વધુ સક્રિય જનજાગૃતિ અભિયાન ચલાવવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR