બોટાદ જિલ્લામાં બાળ મજુર ટાસ્કફોર્સ રેડ દ્વારા ૧૩ તરુણ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા
બોટાદ,18 જૂન (હિ.સ.) બાળ મજૂરી જેવી સામાજિક કુપ્રથાને નાબૂદ કરવા માટે બોટાદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બાળ શ્રમયોગી પ્રથા સામે અસરકારક પગલાં ભરવાના ભાગ
AI ફોટો


બોટાદ,18 જૂન (હિ.સ.) બાળ મજૂરી જેવી સામાજિક કુપ્રથાને નાબૂદ કરવા માટે બોટાદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બાળ શ્રમયોગી પ્રથા સામે અસરકારક પગલાં ભરવાના ભાગરૂપે ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ ચકાસણી અને રેડ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન બોટાદની એક ખાનગી કંપનીમાં તપાસ હાથ ધરતાં 13 તરુણ શ્રમિકો કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. ટાસ્ક ફોર્સની ટીમે તમામ તરુણ શ્રમિકોને ત્યાંથી મુક્ત કરાવ્યા હતા. સાથે જ સંબંધિત કંપની સામે બાળ મજૂર પ્રતિબંધ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત બોટાદ શહેર વિસ્તારમાં સફાઈ કામમાં બાળકોને કામે રાખવામાં આવતા હોવાની મળેલી ફરિયાદના આધારે ટાસ્ક ફોર્સ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ બાળ શ્રમિક મળી આવ્યા નહોતા. તેમ છતાં સંબંધિત કોન્ટ્રાક્ટરો અને સંચાલકોને બાળ મજૂરી પ્રતિબંધ અધિનિયમ તેમજ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની જોગવાઈઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં કોઈપણ સમયે રેડ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અથવા તરુણોને કામે રાખી મજૂરી કરાવવી એ ગંભીર અને દંડનીય ગુનો છે. આવા કિસ્સાઓ સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જાહેર જનતા, દુકાનદારો, લારી-ગલ્લા સંચાલકો, ઢાબા, રેસ્ટોરન્ટ, હોટેલ, ફેક્ટરી, ખેતીવાડી તેમજ ખાનગી કંપનીઓના માલિકોને અપીલ કરી છે કે કોઈપણ સંજોગોમાં બાળકોને કામે ન રાખે અને બાળ મજૂરીમુક્ત સમાજના નિર્માણમાં સહયોગ આપે. બાળ અધિકારોનું રક્ષણ અને બાળકોને શિક્ષણ તથા સુરક્ષિત બાળપણ મળે તે માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande