
શિમલા, 18 જૂન (હિ.સ.)। હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં એક જ ગામના સાત લોકોનાં મોત થયા છે. તેમાં ત્રણ સગા ભાઈ અને એક દંપતીનો સમાવેશ થાય છે. મૃતકોમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાઓ છે. અકસ્માત બુધવારે મોડી રાત્રે ચુરાહ વિધાનસભા ક્ષેત્રના પોખરી-મસરુન્ડ માર્ગ પર માણી ઝીરો નજીક થયો હતો, જ્યાં એક બોલેરો વાહન અનિયંત્રિત થઈને લગભગ 500 મીટર ઊંડી ખાઈમાં જઈ પડ્યું. અકસ્માત એટલો ભયાનક હતો કે, વાહનના ટુકડા-ટુકડા થઈ ગયા અને તેમાં સવાર તમામ સાત લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા.
મૃતકોમાં ચુન્ની લાલ (65), દેવી લાલ (62), બબલી દેવી પત્ની મોતી રામ (45), મોતી રામ (50), અનીતા કુમારી (20), કુંતા દેવી (53), મનોહર લાલ (34)નો સમાવેશ થાય છે. તેમાં ચુન્ની લાલ, દેવી લાલ અને મોતી રામ સગા ભાઈ છે.
આ અકસ્માત ત્યારે થયો, જ્યારે પંચાયત કુઠેડના મહલ ગામના રહેવાસીઓ એક મુંડન સંસ્કાર સમારોહમાં સામેલ થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પરિવાર અને ગામના લોકો કાકડોથા ગામમાં આયોજિત ધામમાં સામેલ થયા હતા અને મોડી રાત્રે સમારોહથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો. અકસ્માત બાદ સમગ્ર મહલ ગામ અને આસપાસના વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સાત લોકોનાં એકસાથે મોતથી વિસ્તારમાં શાંતિ છવાઈ ગઈ છે.
પોલીસ મુજબ, અકસ્માત રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ થયો હતો. બોલેરો અચાનક ચાલકના નિયંત્રણ બહાર થઈ ગઈ અને રસ્તાથી નીચે ઊંડી ખાઈમાં જઈ પડી. સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. અંધકાર અને ઊભી ઢાળને કારણે બચાવ અભિયાન ખૂબ મુશ્કેલ રહ્યું. બાદમાં પોલીસ અને સ્થાનિક લોકોએ મળીને તમામ મૃતદેહોને ખાઈમાંથી બહાર કાઢ્યા.
ચંબાના પોલીસ અધીક્ષક વિજય સકલાની એ અકસ્માતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે દુર્ઘટનામાં સાત લોકોનાં મોત થયા છે. તેમાં મોટા ભાગના એક જ પરિવારના સભ્યો હતા. તેમણે કહ્યું કે બધા મૃતકો પંચાયત કુઠેડના મહલ ગામના રહેવાસી હતા.
પોલીસને અકસ્માતની જાણ આજે તડકે મળી હતી. ત્યાર બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું. અકસ્માત બાદ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પંડિત જવાહરલાલ નેહરુ રાજકીય મેડિકલ કોલેજ, ચંબા મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે કેસ નોંધ્યો છે અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે કે, વાહન અનિયંત્રિત થઈ જવાને કારણે આ અકસ્માત થયો, જોકે પોલીસ તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અકસ્માતસ્થળે રસ્તાના કિનારે પૂરતા સુરક્ષા અવરોધકો (ક્રેશ બેરિયર) નહોતા અને જો ત્યાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા હોત, તો અકસ્માતની ગંભીરતા ઓછી થઈ શકી હોત.
ઉલ્લેખનીય છે કે, ચંબા જિલ્લો છેલ્લા કેટલાક મહિનામાં અનેક મોટા માર્ગ અકસ્માતોનો સાક્ષી બન્યો છે. ગયા 29 મેના રોજ બૈરાગઢ-સાચ પાસ-કિલાડ માર્ગ પર એક ઇનોવા વાહન અકસ્માતગ્રસ્ત થયું હતું, જેમાં છત્તીસગઢના આઠ પ્રવાસીઓનાં મોત થયા હતા. તે પહેલાં 10 મેના રોજ પણ ચંબામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ગુજરાતના છ પ્રવાસીઓનાં મોત થયા હતા. હિમાચલ પ્રદેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં લગભગ એક હજાર લોકોનાં મોત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ શર્મા / સુનીલ શુક્લા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ