
પાટણ, 18 જૂન (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના આંકવી ગામે આવેલા બળવંતી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ગર્ભગૃહમાં પ્રવેશ કરી માતાજીના દાગીના અને દાનપેટીની રોકડ રકમ સહિત કુલ રૂ. 1.95 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મંદિરના 71 વર્ષીય પૂજારી અમરપુરી નાગરપુરી ગોસ્વામી છેલ્લા 11 વર્ષથી સેવાપૂજા કરે છે. તેઓ 16 જૂનની રાત્રે આરતી પૂર્ણ કરી મંદિરને તાળું મારી ઘરે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે આરતી માટે મંદિરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું ગાયબ અને દરવાજો અર્ધખુલ્લો જોવા મળ્યો હતો. અંદર તપાસ કરતા માતાજીના ઘરેણાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું.
તપાસમાં તસ્કરો આશરે 500 ગ્રામ વજનના એક મોટા અને ત્રણ નાના ચાંદીના છત્તર, ચાંદીનું ત્રિશુલ, વીર મહારાજની ચાંદીની મૂર્તિ, અન્ય દાગીના તથા દાનપેટીમાંથી આશરે રૂ. 25 હજારની રોકડ રકમ ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પૂજારી અમરપુરી ગોસ્વામીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ