

પોરબંદર, 18 જૂન (હિ.સ.)સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાના આધારે જૂના તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવાનું ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષકોમાં ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં તથા હાલ કાર્યરત શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ યોજાયેલી આ રેલીમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના 150થી વધુ શિક્ષકો જોડાયા હતા. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009માં જરૂરી સુધારો કરી હાલ ફરજ બજાવતા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.શિક્ષક સંઘ દ્વારા કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ
કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ આંદોલન માત્ર જિલ્લા કક્ષાએ મર્યાદિત નહીં રહે, પરંતુ આગામી સમયમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તથા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ ઓડેદરા, મહામંત્રી મનોજભાઈ મૈત્રા, રાજ્ય સંઘના મંત્રી ભનુભાઈ મોડેદરા, રાણાવાવ તાલુકા પ્રમુખ પોપટભાઈ ખૂંટી, પોરબંદર તાલુકા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, મહામંત્રી નવઘણભાઈ ચૌહાણ તેમજ જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ મુરુભાઈ ઓડેદરા સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya