
- રાજ્યના 63 તાલુકામાં વરસાદ વરસ્યો
અમદાવાદ,18 જૂન (હિ.સ.) ગુજરાતથી ચોમાસું તો હજી દૂર છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર બાદ અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી.છેલ્લા 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ 147 મિલીમીટર (5.79 ઈંચ) વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં 24 કલાકમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આ વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ગરમીથી મોટી રાહત મળી છે.
આજે વહેલી સવારથી ગોંડલ, જામનગર, અમરેલી, વડોદરા, બનાસકાંઠા સહિતના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ શરૂ થતાં લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે. બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા ગામેથી દુઃખદ ઘટના સામે આવી છે. ગત રાત્રે ખેતરમાં જઈ રહેલા પિતા-પુત્ર પર વીજળીનો તાર પડતાં ઘટનાસ્થળે જ બંનેના મોત નીપજ્યા હતા.
હાલમાં પવન અને વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
મળતા આંકડા પ્રમાણે, અરવલ્લીના ભિલોડામાં 75 મીમી (2.95 ઈંચ) અને ધનસુરામાં 66 મીમી (2.60 ઈંચ) વરસાદ નોંધાયો છે. સાથંબા અને બાયડમાં પણ 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના સતલાસણા તાલુકામાં 73 મીમી (2.87 ઈંચ) અને ખેરાલુમાં 20 મીમી વરસાદ પડ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ