
ભાવનગર, 18 જૂન (હિ.સ.) પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલને સાકાર કરી રહ્યું છે. ભાવનગરના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના કુશળ માર્ગદર્શન હેઠળ ગીર અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં એશિયાટિક સિંહો તથા અન્ય વન્યજીવોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે દેશના પ્રથમ અંડરપાસનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન ગીર અને તેની આસપાસનો વિસ્તાર છે. આ અમૂલ્ય વન્ય ધરોહરના સંરક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા રાજ્ય સરકાર, વન વિભાગ અને રેલવે પ્રશાસનના સંયુક્ત પ્રયાસોથી ઢસા–રાજુલા તથા રાજુલા–પીપાવાવ રેલખંડ પર પાંચ સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં વન્યજીવોની સુરક્ષિત અવરજવર માટે વિશેષ અંડરપાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો મુખ્ય હેતુ સિંહો તથા અન્ય વન્યજીવોને રેલવે ટ્રેક પાર કરવા માટે સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવાનો તેમજ વન્યજીવો અને રેલવે સંચાલન બંનેની સલામતી સુનિશ્ચિત કરીને “શૂન્ય અકસ્માત” (Zero Accident) ના લક્ષ્યને હાંસલ કરવાનો છે.
લગભગ રૂ. 9.42 કરોડના ખર્ચે અમલમાં મૂકવામાં આવી રહેલી આ યોજનામાં અત્યાર સુધી નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. ઢસા–રાજુલા રેલખંડના કિમી 53/14-15 અને કિમી 16/9-10 ખાતે અંડરપાસ બોક્સનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકીના ત્રણ સ્થળોએ નિર્માણ કાર્ય ઝડપથી પ્રગતિ પર છે અને તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે ભાવનગર મંડળ રેલવે સંચાલનની સુરક્ષા સાથે પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષાને પણ સમાન પ્રાથમિકતા આપી રહ્યું છે. વન્યજીવોની સુરક્ષા માટે વિકસાવવામાં આવી રહેલી આ નવીન પહેલ ભારતીય રેલવે માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે. રેલવે, વન વિભાગ અને સ્થાનિક પ્રશાસનના સંકલિત પ્રયાસોથી આ યોજના વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ ભવિષ્યમાં પણ સુરક્ષિત, પર્યાવરણ-અનુકૂલ અને સતત વિકાસને પ્રોત્સાહન આપતી જનહિતકારી તથા સંરક્ષણાત્મક પહેલોને સતત આગળ વધારતું રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ