
પોરબંદર, 18 જૂન (હિ.સ.) : પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જયેશ નારણભાઈ પાંડવદરાની ફરિયાદના આધારે રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતી માલીબેન ખીમાભાઈ મોઢવાડિયા સામે એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ માલીબેન મોઢવાડિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. queen of ranavav001 પરથી અલગ-અલગ સમયે લાઈવ પ્રસારણ કર્યું હતું. આ દરમિયાન ફરીયાદીની જ્ઞાતિ અંગે અભદ્ર અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી અનુસૂચિત જાતિના લોકોની લાગણીઓ દુભાય તેમજ સમગ્ર સમાજનું અપમાન થાય તેવા નિવેદનો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીએ સમાજો વચ્ચે વિખવાદ અને દુશ્મનાવટ ફેલાય તેવા શબ્દોનો ઉપયોગ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ઘટનાને પગલે જયેશ પાંડવાડરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી માલીબેન ખીમાભાઈ મોઢવાડિયા સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya