નવસારીમાં 90 વર્ષ જૂનું આદિવાસી ઘર તોડાતા વિવાદ, સમાજે ન્યાય માટે કાનૂની લડતની ચેતવણી આપી
નવસારી, 18 જૂન (હિ.સ.): નવસારીના લુન્સીકુઈ વિસ્તાર નજીક આવેલી સહયોગ સોસાયટીમાં એક આદિવાસી પરિવારનું લગભગ 90 વર્ષ જૂનું રહેણાંક મકાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા દૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કાર્યવાહી બાદ રાઠોડ પરિવાર રહેવા માટે આશ્રયવિહોણો બન્
Navsari


નવસારી, 18 જૂન (હિ.સ.): નવસારીના લુન્સીકુઈ વિસ્તાર નજીક આવેલી સહયોગ સોસાયટીમાં એક આદિવાસી પરિવારનું લગભગ 90 વર્ષ જૂનું રહેણાંક મકાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા દૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. કાર્યવાહી બાદ રાઠોડ પરિવાર રહેવા માટે આશ્રયવિહોણો બન્યો હોવાનું જણાવાયું છે. ઘટનાને લઈને આદિવાસી સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તેઓ દાયકાઓથી આ સ્થળે વસવાટ કરતા હતા તેમજ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. તેમનો આક્ષેપ છે કે તાજેતરમાં વિભાગીય અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી તેમને સ્થળ ખાલી કરાવ્યું અને ત્યારબાદ મકાન તોડી પાડ્યું. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા આ કબજાને ગેરકાયદે દબાણ તરીકે ગણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાના વિરોધમાં આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો નવસારી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું કે આદિવાસી સમુદાયને દબાણકર્તા તરીકે રજૂ કરવું અન્યાયપૂર્ણ છે. સમાજના પ્રતિનિધિઓએ આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી.

સમાજના આગેવાનોએ રજૂઆતમાં બંધારણીય અધિકારો, વનાધિકાર કાયદો અને પેસા એક્ટનો ઉલ્લેખ કરીને રહેઠાણ અને ગૌરવપૂર્ણ જીવનના અધિકારનું રક્ષણ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડવા તૈયાર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande