
વલસાડ,18 જૂન (હિ.સ.) ડુંગરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપીને વડોદરાથી ઝડપી પાડવામાં ડુંગરી પોલીસને સફળતા મળી છે. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા તથા ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન ડુંગરી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ફાલ્ગુન હેમંતકુમાર પટેલ પોતાના મંજલપુર સ્થિત નિવાસસ્થાને હાજર હોવાની ચોક્કસ બાતમી મળી હતી.બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એચ. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમને તાત્કાલિક વડોદરા મોકલવામાં આવી હતી. પોલીસે ઇન્દ્રધામ સોસાયટી, સુદર્શન સોસાયટી સામે, જૈન મંદિર નજીક આવેલા આરોપીના નિવાસસ્થાનેથી તેની ધરપકડ કરી હતી. આરોપી છેલ્લા એક વર્ષથી ડુંગરી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન, વલસાડ સિટી પોલીસ સ્ટેશન તેમજ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે.આ કામગીરી ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એચ. પટેલના નેતૃત્વ હેઠળ એએસઆઈ હિરેન બચ્ચુભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિતીન બળદેવભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અરુણ હરિશ્ચંદ્રની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha