ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
- તેજસ્વી વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ શાળાઓનું સન્માન અને શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : ગાંધીનગર સ્થિત ''વિદ્યા સમીક્ષા કેન્દ્ર'' ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને 100 ટ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- તેજસ્વી વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠ શાળાઓનું સન્માન અને શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત

ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : ગાંધીનગર સ્થિત 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' ખાતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને 100 ટકા પરિણામ મેળવનારી શ્રેષ્ઠ શાળાઓનો સન્માન સમારોહ તથા નિષ્ઠાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરનારા શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શિક્ષણમંત્રીએ ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે આજની આ ઊર્જા વર્ષ-૨૦૪૭ના વિકસિત ભારતના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. આ કાર્યક્રમ મહેનત, સમર્પણ તથા સિદ્ધિનો ત્રિવેણી સંગમ છે.

ફેબ્રુઆરી-૨૦૨૬ની બોર્ડ પરીક્ષાઓમાં ગાંધીનગર જિલ્લાના પરિણામોની વિગતો જાહેર કરતાં શિક્ષણમંત્રીએ ગૌરવ વ્યક્ત કર્યું હતું. આ પરીક્ષામાં ધોરણ ૧૦માં ૧,૦૨૪ વિદ્યાર્થીઓએ, ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં ૪૩ વિદ્યાર્થીઓએ તેમજ ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ)માં ૧૮૧ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

આજના આ સમારોહમાં આવા ૬૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું, જેમાં મોટા ભાગની દીકરીઓ હતી. દીકરીઓની આ સફળતાને શિક્ષણમંત્રીએ 'બેટી બચાવો, બેટી પઢાવો' અને 'નારી સશક્તિકરણ'નું જીવંત ઉદાહરણ ગણાવ્યું હતું.

વધુમાં, તેમણે ૧૦૦ ટકા પરિણામ મેળવનાર જિલ્લાની ૩૩ શાળાઓના ઉત્કૃષ્ટ ટીમવર્કને બિરદાવતા 'TEAM' શબ્દને ‘Together Everyone Achieves Mission’ તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો. દેશના ત્રણ 'S'— સૈનિક, શિક્ષક અને સુપ્રીમ કોર્ટ પર જનતાના અતૂટ ભરોસાનો ઉલ્લેખ કરી તેમણે શિક્ષકોને રાષ્ટ્રના સાચા ઘડવૈયા કહ્યા હતા.

આ અવસરે શિક્ષણ ક્ષેત્રે ૫ વર્ષની ફિક્સ પગારની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ૫૦ કર્મયોગી શિક્ષકોને પૂરા પગારના નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત હરણફાળ ભરી રહ્યું છે તેમ જણાવી, મંત્રીએ જ્ઞાનને સેવા, સફળતાને સંસ્કાર અને જીવનને માનવતા સાથે જોડવાના પાયાના સંકલ્પો લેવડાવ્યા હતા.

શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને માત્ર પરિણામ પર જ નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિએ કાર્યક્રમની રૂપરેખા આપી સૌનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, કમિશનર ઑફ સ્કૂલ્સ આનંદ પટેલ, કલેકટર રવીન્દ્ર ખતાલે, શિક્ષક સંચાલક સંઘના પ્રમુખ શંકરસિંહ રાણા તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande