
ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ આગામી તા.૨૩ થી ૨૫ જૂન સુધી શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અને કન્યા કેળવણી મહોત્સવની પૂર્વ તૈયારીઓ અને રાજ્યનું એકપણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગે આદરેલા પ્રયત્નોની વિસ્તૃત છણાવટ આ બેઠકમાં કરવામાં આવી હતી.
ઈણાજ ખાતેના સભાખંડમાંથી કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યો આ બેઠકમાં ઓનલાઈન જોડાયા હતાં. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રગતિનો પ્રવેશોત્સવ તથા નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ આધારિત સ્ટેટ કરિક્યૂલમ ફ્રેમવર્ક તથા સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્કનું લોકાર્પણ અને નિપુણ ગુજરાત અભિયાન કાર્યક્રમની વિશદ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન બાલવાટિકાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાનશક્તિ રેસિડેન્શ્યિલ સ્કૂલ તથા રક્ષાશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ તથા શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ