
ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી અંતર્ગત જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા અને નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ નજીકના સ્થળે જ સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ઘૂસિયા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે ગીર સોમનાથ વહીવટી તંત્ર કાર્યરત છે, ત્યારે જિલ્લા પંચાયત સમવિષ્ટ વિસ્તારના ગ્રામજનો અને જરુરીયાતમંદ આશરે લોકોએ જનકલ્યાણ શિબિરનો લાભ લીધો હતો.
શિબિર દરમિયાન વિવિધ સરકારી યોજનાની માહિતી લોકોને એક જ સ્થળેથી મળી રહે એ માટે વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ પણ લગાવવામાં આવ્યાં હતાં અને સુગમ પોર્ટલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ જનકલ્યાણ શિબિરમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓનો સીધો લાભ મળે તે માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. શિબિર દરમિયાન આવકના દાખલા, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ જેવી કે નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ જરૂરી સુધારાઓ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સરકારની જનકેન્દ્રિત યોજનાઓને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ જનકલ્યાણ શિબિરમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્ય, અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ