
નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા દિલ્હી (આઈઆઈટી)એ, ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં શાનદાર પ્રદર્શન કરતાં વૈશ્વિક સ્તરે 118મું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષની 123મી રેન્કિંગની સરખામણીએ સંસ્થાએ આ વખતે સુધારો નોંધાવ્યો છે. આ સાથે આઈઆઈટી દિલ્હી સતત દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક અને સંશોધન સંસ્થા બની રહી છે.
ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027 મુજબ, આઈઆઈટી દિલ્હીએ ભારતીય સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી પ્રાપ્ત સર્વોચ્ચ વૈશ્વિક રેન્કિંગની બરાબરી પણ કરી લીધી છે. સંસ્થાની રેન્કિંગમાં સુધારાના પાછળ ઘણા મુખ્ય કામગીરી સૂચકાંકોમાં નોંધપાત્ર પ્રગતિ રહી છે.
એમ્પ્લોયર રેપ્યુટેશન શ્રેણીમાં આઈઆઈટી દિલ્હીએ 11 સ્થાનની છલાંગ લગાવીને વૈશ્વિક સ્તરે 39મું સ્થાન મેળવ્યું છે. આ સૂચક દર્શાવે છે કે, વૈશ્વિક નોકરીદાતાઓ કઈ સંસ્થાના વિદ્યાર્થીઓને રોજગાર માટે સૌથી વધુ તૈયાર માને છે. એ જ રીતે, એમ્પ્લોયમેન્ટ આઉટકમ્સ શ્રેણીમાં સંસ્થાએ 60 સ્થાનનો નોંધપાત્ર સુધારો નોંધાવ્યો છે. આ સૂચકાંક સ્નાતકોની રોજગાર ક્ષમતા તથા વિવિધ ક્ષેત્રોમાં તેમના નેતૃત્વ અને પ્રભાવને દર્શાવે છે. સાઇટેશન્સ પ્રતિ ફેકલ્ટી સૂચકાંકમાં પણ આઈઆઈટી દિલ્હીએ 26 સ્થાનનો સુધારો કર્યો છે. આ માપદંડ વિશ્વવિદ્યાલયોએ કરેલા વૈજ્ઞાનિક સંશોધનની ગુણવત્તા અને તેના પ્રભાવનું મૂલ્યાંકન કરે છે.
આ સિદ્ધિ પર આઈઆઈટી દિલ્હીના ડીન (યોજનાં) તથા રેન્કિંગ સેલના પ્રમુખ પ્રો. સોમનાથ બૈદ્ય રોયે જણાવ્યું કે, સંસ્થા વિશ્વસ્તરીય અને કિફાયતી ટેકનિકલ શિક્ષણ આપવાના તથા વૈશ્વિક સંશોધકોની પસંદીદા ગંતવ્ય બનવાના લક્ષ્ય પ્રત્યે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, નવું પાઠ્યક્રમ, આધુનિક અવસ્ર્થા અને વધતી આંતરરાષ્ટ્રીય ભાગીદારી આવનારા વર્ષોમાં સંસ્થાની ગુણવત્તા અને પ્રભાવને વધુ મજબૂત કરશે. તેમણે કહ્યું કે, રેન્કિંગ સંસ્થાનું લક્ષ્ય નહીં, પરંતુ તેના કાર્યનું પરિણામ છે.
પાછલા ચાર વર્ષમાં આઈઆઈટી દિલ્હીએ, પોતાની વૈશ્વિક રેન્કિંગમાં 79 સ્થાનનો સુધારો કર્યો છે. વર્ષ 2024માં સંસ્થા 197મા સ્થાને હતી, જે હવે વધીને 118મા સ્થાને પહોંચી છે. નોંધનીય છે કે માર્ચ 2026માં જાહેર થયેલી ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બાય સબજેક્ટમાં આઈઆઈટી દિલ્હીના અનેક એન્જિનિયરિંગ તથા પ્રૌદ્યોગિકી વિષયો વિશ્વના ટોચના 50 વિષયોમાં સ્થાન પામ્યા હતા. તેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ, કેમિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી શ્રેણીમાં આઈઆઈટી દિલ્હીએ વૈશ્વિક સ્તરે 36મું સ્થાન મેળવ્યું હતું અને દેશમાં પોતાની અગ્રણી સ્થિતિ જાળવી રાખી હતી.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ