ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદ મામલે તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી
ભાવનગર, 18 જૂન (હિ.સ.)ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ફરિયાદને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તાત્કાલિક નોંધ લઈ
આરોગ્ય રાજ્યમંત્રી મંત્રી  પ્રફુલભાઈ ફાઈલ ફોટો


ભાવનગર, 18 જૂન (હિ.સ.)ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ફરિયાદને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તાત્કાલિક નોંધ લઈ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસ કરવા સંબંધિત સત્તાધિકારીઓને સૂચના આપી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના છ વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે મેડિકલ કોલેજના ડીન તેમજ એન્ટી-રેગીંગ કમિટીને તાત્કાલિક તપાસ હાથ ધરી સમગ્ર હકીકતોની ચકાસણી કરી વિગતવાર અહેવાલ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા, માન-મર્યાદા અને શૈક્ષણિક હિતોનું રક્ષણ કરવું સરકારની પ્રાથમિક જવાબદારી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ભયમુક્ત, સુરક્ષિત અને સંસ્કારપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. રેગીંગ જેવી અસંવેદનશીલ અને અમાનવીય પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન તમામ સંબંધિત વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવશે તેમજ ઉપલબ્ધ પુરાવાઓના આધારે હકીકતો જાણી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો તપાસમાં કોઈપણ વિદ્યાર્થી અથવા વ્યક્તિ દોષિત સાબિત થશે તો તેના વિરુદ્ધ કાયદાકીય જોગવાઈઓ મુજબ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરકારના આ કડક વલણને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. સરકાર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રેગીંગ માટે કોઈ સ્થાન નથી અને આવી પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande