



પોરબંદર, 18 જૂન (હિ.સ.)દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘પ્રધાનસેવક’ તરીકેના 12 વર્ષના જનસેવા અને સમર્પણના ભવ્ય કાર્યકાળ નિમિત્તે પોરબંદર જિલ્લા પંચાયતની અમરદર – 2 બેઠકમાં સમાવિષ્ઠ ગામો માટે અમરદર ખાતે એક વિશેષ ‘જનકલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં છેવાડાના પરિવારોને કેન્દ્રમાં રાખીને માનવીય સંવેદના સાથે લોકઉપયોગી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ જેવા વિવિધ સરકારી તંત્રોએ પરસ્પર સમન્વય સાધીને ગ્રામજનોને એક જ સ્થળેથી પ્રશંસનીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક આંગણવાડી કાર્યકર કિંજલબેન પાંડાવદરાએ માહિતી આપતા જણાવ્યું કે, પ્રજાના પોષણ અને સ્વાસ્થ્યની રક્ષા કાજે આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા શિબિરમાં પ્રત્યક્ષ સેવાઓનો આપવામાં આવી હતી. જેમાં ગામના 3 થી 6 વર્ષના નાના બાળકોના શારીરિક વિકાસ માટે ‘બાલશક્તિ’ પૅકેટ, સગર્ભા તથા ધાત્રી માતાઓના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યની દરકાર લેતા ‘માતૃશક્તિ’ પૅકેટ તેમજ દેશનું ભવિષ્ય એવી કિશોરીઓને કુપોષણમુક્ત રાખવા માટે ‘પૂર્ણશક્તિ’ પૅકેટોનું વિતરણ કરીને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવ્યો હતો.
વડાપ્રધાનના સેવાકાળની આ ઉજવણી માત્ર સરકારી આંકડાઓ પૂરતી સીમિત ન રહેતા, ગ્રામીણ સ્તરે બાળકો અને માતાઓના ચહેરા પર સ્મિત લાવીને ખરા અર્થમાં એક સશક્ત સમાજ નિર્માણની સંવેદનશીલ કડી સાબિત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya