

- વિશ્વના વિવિધ દેશોના પ્રોફેશનલ યુવા કર્મયોગીઓ સહિત અંદાજિત પાંચ હજારથી વધુ યોગ સાધકો સહભાગી
ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ટેક્નોલોજી હબ GIFT City, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના સંચાલનમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
GIFT City આજે નવા ભારતની પ્રગતિ, આધુનિક વિચારસરણી, વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને વિશ્વસ્તરીય વિકાસનું જીવંત પ્રતિક બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને દૂરંદેશી નેતૃત્વના પરિણામે સાકાર થયેલ GIFT City માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવનું કેન્દ્ર બન્યું છે. આધુનિક સુવિધાઓ અને ભારતીય સંસ્કૃતિના સમન્વય વચ્ચે યોજાયેલી આ વિશિષ્ટ યોગ શિબિરમાં ૫૦૦૦થી વધુ યોગ સાધકો, યુવાનો, મહિલાઓ તથા ગિફ્ટ સિટીના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસના થીમ “Yoga for Healthy Ageing” ને અનુરૂપ યોગ દ્વારા સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યોગ માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ શરીર, મન અને ચેતનાને સંતુલિત કરતી એક સંપૂર્ણ જીવનપદ્ધતિ છે, જે વ્યક્તિને લાંબા સમય સુધી નિરોગી, કાર્યક્ષમ અને પ્રસન્ન રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
GIFT City ખાતે કાર્યરત વિવિધ દેશોના વિદેશી કર્મચારીઓ પણ યોગ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો.
આ ઉપસ્થિતિએ યોગની વૈશ્વિક સ્વીકૃતિ અને ભારત દ્વારા વિશ્વને અપાયેલ આ અમૂલ્ય વારસાની લોકપ્રિયતાને વધુ ઉજાગર કરી હતી.
કાર્યક્રમમાં પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, સંજય કૌલ, IAS (MD & Group CEO, GIFT City), ભાજપ પ્રદેશ મંત્રી પ્રીતિબેન પટેલ, બ્રિગેડિયર ઉપેશભાઈ તેમજ લોકપ્રિય ટીવી શ્રેણી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં સુંદરલાલના પાત્રથી જાણીતા મયુર વાકાણી, માહી પટેલ, જાન્હવી ધાકણ, વાસુ ઢોલકિયા અને દીપ ઢોલકિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને સમાજના વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડાવા માટે પ્રેરિત કર્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૬ અંતર્ગત વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રતિષ્ઠિત સ્થળોએ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમો દ્વારા યોગને જનજન સુધી પહોંચાડી “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ