આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરાશે: નાયબ મુખ્યમંત્રી
- યોગ દિવસે રાજ્યમાં 1.25 કરોડથી વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં સહભાગી થશે ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


- યોગ દિવસે રાજ્યમાં 1.25 કરોડથી વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં સહભાગી થશે

ગાંધીનગર, 18 જૂન (હિ.સ.) : 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષની ઉજવણી વિશિષ્ટ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગુજરાતમાં આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં કરવામાં આવશે. જેમાં 4 હજારથી વધુ નાગરીકો સહભાગી થશે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 'યોગા ફોર હેલ્ધી એજિંગ' થીમ પર વિશેષ કાર્યક્રમો યોજાશે. આ સંદર્ભે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૦થી વધુ મોટા કાર્યક્રમોનું સફળ આયોજન થઈ ચૂક્યું છે. આગામી યોગ દિવસ સુધીમાં સમગ્ર રાજ્યમાં શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઇન્ડસ્ટ્રીઝ, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળીને કુલ ૨૪,૦૦૦ જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સંઘવીએ માહિતી આપતા ઉમેર્યું કે, આ વર્ષે યોગ દિવસે સમગ્ર રાજ્યમાંથી ૧.૨૫ કરોડથી પણ વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેવાના છે. તમામ જિલ્લાઓમાં કલેક્ટરઓ, મ્યુનિસિપલ કમિશનરઓ અને સામાજિક સંસ્થાઓના સંકલન સાથે વિવિધ સમિતિઓ આ આયોજનને સફળ બનાવવા કાર્યરત છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં ૧૪ જૂનથી ૨૦ જૂન સુધી 'યોગ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. સફાઈ કર્મચારીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને ખેડૂતો જેવા સમાજના વિવિધ વર્ગો આવરી લઈને ૧૨ જેટલા વિશેષ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાંથી ૧૦ કાર્યક્રમો સંપન્ન થઈ ચૂક્યા છે અને બાકીના ૨ કાર્યક્રમો આગામી બે દિવસમાં યોજાશે. આ ઉપરાંત, ૧૭ મહાનગરપાલિકાઓ, ૩૩ જિલ્લાઓના તમામ તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. આ અનુસંધાને આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ૫,૦૦૦થી વધુ સભ્યોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સામૂહિક યોગ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાતને યાદ કરતા જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર વિદેશી નાગરિકો દ્વારા યોગ થકી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ અને યોગ આજે દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી ગયા છે. ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં આજે ખૂબ જ આકર્ષક પગાર સાથે ભારતીય યોગ શિક્ષકોની માંગમાં વધારો થયો છે.

ગુજરાત યોગ બોર્ડ દ્વારા સામાન્ય નાગરિકો રોજ સવારે યોગ કરી શકે તે માટે ટ્રેનિંગ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ આ સરાહનીય કામગીરી બદલ યોગ બોર્ડના ચેરમેન અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande