વિકાસ ભી, વિરાસત ભી' નેમને ચરિતાર્થ કરતો જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો ગરવા ગિરનારની ગોદમાં ૬૨ એકરમાં ફેલાયેલા ઉપરકોટ કિલ્લાને ૧૭.૫૦ લાખ પ્રવાસીઓએ માણ્યો
જુનાગઢ 8 જૂન (હિ.સ.) ગરવા ગિરનારની ગોદમાં આવેલો અને ઇતિહાસની અગણિત ઘટનાઓનો સાક્ષી રહેલો ઉપરકોટનો કિલ્લો આજે સદીઓ પછી પણ અડીખમ છે. ઇતિહાસની અનેક યાદોને સાચવીને બેઠેલા ઉપરકોટ કિલ્લાના નવીનીકરણથી તેની સિકલ-સુરત બદલાઈ છે. સમયના વહેણ સાથે ઝાંખી પડેલી આ
જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો ગરવા ગિરનારની


જુનાગઢ 8 જૂન (હિ.સ.) ગરવા ગિરનારની ગોદમાં આવેલો અને ઇતિહાસની અગણિત ઘટનાઓનો સાક્ષી રહેલો ઉપરકોટનો કિલ્લો આજે સદીઓ પછી પણ અડીખમ છે. ઇતિહાસની અનેક યાદોને સાચવીને બેઠેલા ઉપરકોટ કિલ્લાના નવીનીકરણથી તેની સિકલ-સુરત બદલાઈ છે. સમયના વહેણ સાથે ઝાંખી પડેલી આ વિરાસતને ગુજરાત સરકારે નવી ભવ્યતા પ્રદાન કરી છે. આ કિલ્લાના બદલાયેલા રંગ-રૂપે પ્રવાસીઓને એટલા જ ઘેલા કર્યા છે, જેના પરિણામે વીતેલા આશરે અઢી-પોણા ત્રણ વર્ષના સમયગાળામાં જ ૧૭.૫૦ લાખથી વધુ પ્રવાસીઓ આ ભવ્ય વારસાની મુલાકાત લઇ ઇતિહાસને નજીકથી માણી ચૂક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી 'વિકાસ ભી, વિરાસત ભી' નેમને સાકાર કરતા ઉપરકોટના કિલ્લાનું ગુજરાત સરકારે અંદાજે રૂ. ૭૪ કરોડના ખર્ચે નવીનીકરણ કર્યું હતું, જેથી જૂનાગઢના પ્રવાસનને નવો વેગ મળ્યો છે.

ઉપરકોટના કિલ્લાની ઐતિહાસિક ઝાંખી કરાવતા બહાઉદ્દીન વિનયન કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ભરત રાઠોડ જણાવે છે કે, ઉપરકોટ ગુજરાત જ નહીં સમગ્ર ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે બીજી-ત્રીજી સદીમાં નિર્માણ પામેલ ઉપરકોટના કિલ્લાનું મૌર્યશાસકોએ નિર્માણ કરાવ્યું હતું. કાળક્રમે અનેક શાસકોનું આ કિલ્લા પર આધિપત્ય રહ્યું. તેમાં વલ્લભીના મૈત્રકો, ચુડાસમા તથા રા' વંશ, મહંમદ બેગડો અને અંતમાં મુઘલ સામ્રાજ્યના પતન પછી બાબી વંશના શાસકોએ ઉપરકોટથી પોતાનું વહીવટી મથક ચલાવ્યું હતું.

આ જાજરમાન ઐતિહાસિક વિરાસત ધરાવતા ઉપરકોટના કિલ્લામાં સ્થાપત્યના પણ અનેક બેનમૂન નમુનાઓ આવેલા છે, જે ખરેખર આજે અચરજ પમાડે તેવા છે. એ સમયે મર્યાદિત સાધનો વચ્ચે તેનું કેવી રીતે નિર્માણ પામ્યા હશે? તે કલ્પના કરવા મજબૂર કરે છે.

તેમણે ઉમેર્યું કે, ઉપરકોટનો કિલ્લો, અડી-કડી વાવ, નવઘણ કૂવો, ઉપરકોટના નવીનીકરણ દરમિયાન મળી આવેલી લશ્કરી વાવ વગેરે ઇજનેરી કૌશલ્યના અદભુત નમૂનાઓ છે. ખાસ કરીને અડી-કડી વાવ અને નવઘણ કૂવો તો ઈંટ-પથ્થર જોડીને નહીં પરંતુ એક જ વિશાળ નક્કર ખડકને ઉપરથી નીચે તરફ કોતરીને બનાવવામાં આવ્યા છે. નવઘણ કૂવામાં ગોળાકાર સીડીઓ કોતરવામાં આવી છે, જેમાં પ્રકાશ અને હવા મળી રહે તે રીતે પથ્થરની નાની બારીઓ પણ રાખવામાં આવી છે.

ઉપરાંત ઉપરકોટ કિલ્લામાં બૌદ્ધ ભિક્ષુઓની તપસ્યાઓની સાક્ષી એવી દર્શનીય બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે, જે ઉપરકોટના કિલ્લાને વૈવિધ્ય બક્ષે છે.

તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકારે આપણા આ વારસાની જાળવણી માટે ખેવના દાખવી છે. તેની મૂળ ગરિમા જળવાઈ રહે તે રીતે સમારકામ કરીને તેની ભવ્યતા પુનઃસ્થાપિત કરી છે, જેથી ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના પ્રવાસીઓ પણ ઉપરકોટની મુલાકાત લઈ ભાવવિભોર બને છે.

ઉપરકોટ કિલ્લાના સંચાલકીય વડા શ્રી રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે, ઉપરકોટ કિલ્લો નવીનીકરણ પામ્યા બાદ ખૂબ મોટા બદલાવ આવ્યા છે. પ્રવાસીઓ માટે ખૂબ સારી સુવિધાઓ વધવાની સાથે નવા આકર્ષણો ઉમેરાયા છે. તેના પરિણામે જ લગભગ અઢી વર્ષના ટૂંકા ગાળામાં ૧૭.૫૦ લાખ પ્રવાસીઓ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઈ ચૂક્યા છે.

લગભગ ૬૨ એકરમાં ફેલાયેલા આ વિશાળ કિલ્લાને માણવા માટે ગાઈડ સર્વિસથી માંડીને ગોલ્ફ કાર્ટ, સાયકલિંગ, પીવાના પાણી, ફૂડ, શૌચાલય સહિતની સુવિધાઓ પ્રવાસીઓને મળી રહે છે.

તેમણે ઉમેર્યું કે, વરસાદી સિઝનમાં તો ઉપરકોટ કિલ્લો સવિશેષ જોવાલાયક બની જાય છે. ઉપરકોટના કિલ્લા પરથી ગરવા ગિરનારનો મોહક નજારો જોવા મળે છે. સાથે જ પશુ-પક્ષીઓનો કલરવ હરિયાળા વાતાવરણને વધુ ખુશનુમા બનાવે છે.

અહીં વર્ષ દરમિયાન જુદી-જુદી ૩૦ થી ૪૦ જેટલી નાની-મોટી ઇવેન્ટ યોજાય છે. દિવાળી અને નવરાત્રી જેવા તહેવાર પણ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત ટુરિઝમ અને પુરાતત્વ વિભાગ સાથે મળીને સવાણી હેરિટેજ દ્વારા ઉપરકોટના કિલ્લાની રીસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી છે.

*શું કહે છે પ્રવાસીઓ?*

અમદાવાદથી પરિવાર સાથે આવેલા ડો. અંકિતા વરિયા જણાવે છે કે, ૧૦ વર્ષ પહેલા ઉપરકોટના કિલ્લાની મુલાકાત લીધી હતી, પણ ગુજરાત સરકારે તેનું રીનોવેશન કરીને કાયાપલટ કરી નાખી છે. ખૂબ સારી રીતે આ સ્થળને વિકસાવવામાં આવ્યું છે. સ્વચ્છતાની પણ એટલી જ જાળવણી રાખવામાં આવે છે. ઉપરાંત ગોલ્ફ કાર્ટ, પીવાના પાણી સહિતની ખૂબ સરસ સુવિધાઓ છે.

તેમણે ખાસ વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીની પહેલને આવકારતા લોકોને વિદેશ પ્રવાસ કરવાને બદલે ગુજરાત અને ભારતમાં આવેલા અનેક જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા અપીલ કરી હતી. આ સાથે જ ગુજરાત અને ભારતના ટુરીઝમને પ્રમોટ કરવા માટે પણ જણાવ્યું હતું.

ગાંધીનગરથી આવેલા અન્ય એક પ્રવાસી મિત્રાબેને જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ઉપરકોટ કિલ્લાનું રીનોવેશન કરીને વધારે આકર્ષક બનાવ્યો છે. આપણા આ વારસારૂપ સ્થળોના વિકાસથી લોકો ઇતિહાસને નજીકથી જાણી-સમજી શકે છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 'વિકાસ ભી, વિરાસત ભી'નું વિઝન આપ્યું છે, તેના થકી આપણા વારસારૂપ સ્થળોનું જતન અને પ્રવાસનનો પણ વિકાસ થઈ રહ્યો છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande