
જુનાગઢ 18 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ઉર્જા રાજ્ય મંત્રી તથા જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ પ્રાકૃતિક કૃષિ શિબિર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે તા. ૧૯-૦૬-૨૦૨૬ના રોજ સવારે ૯:૪૫ કલાકે યોજાશે. આ કાર્યશાળામાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો પણ ઉપસ્થિત રહીને પોતાના જાત-અનુભવો અને સફળતાની ગાથા અન્ય ખેડૂતોને જણાવશે.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના કૃષિ ઉત્પાદનોના નિદર્શન માટે વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ સાથે ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, 'આત્મા' પ્રોજેક્ટ અને કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતો સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓથી વિગતવાર માહિતગાર થઈ શકે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ખેતીલક્ષી યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે મંજૂરી હુકમો પણ એનાયત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક કૃષિની ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેવા ઉમદા આશય સાથે આ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ