
કચ્છ, 18 જૂન (હિ.સ.) કચ્છ જિલ્લાના શિક્ષણ વિકાસ માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને જિલ્લાના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં કુલ 48 નવી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યભરમાં સૌથી વધુ માધ્યમિક શાળાઓની ફાળવણી મેળવનાર જિલ્લામાં કચ્છનો સમાવેશ થતાં શિક્ષણ ક્ષેત્રે જિલ્લાનું મહત્વ વધુ મજબૂત બન્યું છે.
તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારને નવી શાળાઓના મંજૂરી હુકમો સોંપ્યા હતા. અગાઉ મંજૂર થયેલી 11 શાળાઓ ઉપરાંત હવે વધુ 37 ઇન્ટિગ્રેટેડ શાળાઓને મંજૂરી મળતા કુલ સંખ્યા 48 પર પહોંચી છે. આ નિર્ણયથી ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવામાં નોંધપાત્ર સહાય મળશે.
નવી મંજૂર થયેલી 37 ઇન્ટિગ્રેટેડ શાળાઓની વિશેષતા એ છે કે તેમાં ધોરણ 1થી 12 સુધીનો સતત અભ્યાસ એક જ કેમ્પસમાં શક્ય બનશે. અત્યાર સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓને માધ્યમિક અભ્યાસ માટે અન્ય ગામ કે શહેરમાં જવું પડતું હતું, પરંતુ હવે આ મુશ્કેલી દૂર થશે. વિદ્યાર્થીઓને પોતાના વિસ્તાર નજીક જ ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ ઉપલબ્ધ બનશે, જ્યારે વાલીઓને પણ સંતાનોના અભ્યાસ અંગેની ચિંતામાં રાહત મળશે.
આ શાળાઓમાં આધુનિક શિક્ષણ વ્યવસ્થાને અનુરૂપ વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સ્માર્ટ ક્લાસરૂમ, સ્ટેમ લેબ, રમતગમતના સાધનો તેમજ અન્ય શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવાના આયોજનથી વિદ્યાર્થીઓને શહેર જેવી શૈક્ષણિક સુવિધાઓ ગામડાંમાં જ મળશે. પરિણામે અભ્યાસનું સ્તર સુધરશે અને નવી પેઢી ટેક્નોલોજી આધારિત શિક્ષણ સાથે આગળ વધી શકશે.
જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે કચ્છનો વિશાળ ભૌગોલિક વિસ્તાર અને ગામો વચ્ચેનું લાંબું અંતર ઘણા વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં અવરોધરૂપ બનતું હતું. નવી શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓને દૂર સુધી મુસાફરી કરવાની જરૂરિયાત ઘટશે, જેના કારણે ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. ખાસ કરીને કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ સરળતાથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી શકશે.
તાલુકાવાર ફાળવણીમાં રાપરને સૌથી વધુ 9 નવી શાળાઓ મળી છે, જ્યારે નખત્રાણા અને અબડાસાને 8-8, ભુજને 7, ભચાઉને 6, લખપતને 3, અંજારને 3 તેમજ માંડવી, મુન્દ્રા અને ગાંધીધામને એક-એક નવી શાળાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત માંડવી ખાતે નવી ઉચ્ચત્તર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાને પણ મંજૂરી મળતા વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ વધુ સારો વિકલ્પ ઉપલબ્ધ બનશે.
શિક્ષણ ક્ષેત્રે સતત થઈ રહેલા વિકાસના પગલે કચ્છ હવે માત્ર ભૌગોલિક રીતે વિશાળ જિલ્લો જ નહીં, પરંતુ શૈક્ષણિક પ્રગતિના ક્ષેત્રે પણ રાજ્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. નવી શાળાઓની આ ભેટ આગામી વર્ષોમાં જિલ્લાના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવશે અને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar