
કચ્છ, 18 જૂન (હિ.સ.) ગાંધીધામ શહેરમાં પ્રતિબંધિત દારૂના વેપાર અને હેરફેર સામે પોલીસ દ્વારા સતત ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને આજે વધુ એક સફળતા મળી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી એક યુવકને મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે અંદાજે રૂ.50 હજારથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફ આજે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને મળેલી ખાનગી બાતમીના આધારે ગાંધીધામ સ્થિત એચ.કે. ટ્રાવેલ્સ ઓફિસ સામે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી શંકાસ્પદ યુવકને અટકાવી તેની તપાસ કરતાં તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે મોહિત ઉર્ફે લાંભો શ્યામભાઈ મહેશ્વરી ગાંધીધામને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન તેની પાસેથી માસ્ટર્સ બ્લેન્ડર્સ સિગ્નેચર પ્રાઈમ વ્હિસ્કીની 750 એમએલની 24 સીલબંધ બોટલો તેમજ બ્લેન્ડર્સ પ્રાઈડ પ્રીમિયમ વ્હિસ્કીની 750 એમએલની 24 સીલબંધ બોટલો મળી આવી હતી. બંને બ્રાન્ડની કુલ 48 બોટલોની કિંમત રૂ.50,400 જેટલી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીધામ પોલીસની આ કામગીરીને શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેના કડક વલણ તરીકે જોવામાં આવી રહી છે, જેના કારણે આવા તત્વોમાં ચિંતા ફેલાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar