મુંદરા હવે આકાશમાં પણ ભરશે ઉડાન: આધુનિક એરપોર્ટ ટર્મિનલ અને 8 નવી ફ્લાઇટ સેવાઓ સાથે કચ્છ માટે ઐતિહાસિક ક્ષણ
કચ્છ, 18 જૂન (હિ.સ.) : કચ્છના ઝડપી ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. દેશના અગ્રણી વાણિજ્ય બંદરોમાં સ્થાન ધરાવતા મુંદરા હવે માત્ર સમુદ્રી માર્ગે જ નહીં, પરંતુ હવાઈ માર્ગે પણ દેશના વિવિધ શહેરો સાથે સીધું જોડાણ
મુંદ્રા એરપોર્ટ ટર્મિનલ


કચ્છ, 18 જૂન (હિ.સ.) : કચ્છના ઝડપી ઔદ્યોગિક અને આર્થિક વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. દેશના અગ્રણી વાણિજ્ય બંદરોમાં સ્થાન ધરાવતા મુંદરા હવે માત્ર સમુદ્રી માર્ગે જ નહીં, પરંતુ હવાઈ માર્ગે પણ દેશના વિવિધ શહેરો સાથે સીધું જોડાણ સ્થાપિત કરવા તૈયાર થઈ ગયું છે. આગામી 23 જૂને મુંદરા એરપોર્ટના નવા અને આધુનિક ટર્મિનલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, સાથે જ સ્ટાર એર દ્વારા એકસાથે આઠ નવી હવાઈ સેવાઓનો પ્રારંભ પણ થશે. આ ઘટનાને કચ્છના પરિવહન અને વિકાસના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં મુંદરા વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. અદાણી પોર્ટ અને તેની આસપાસ વિકસેલા ઉદ્યોગો દેશ-વિદેશના રોકાણકારો અને વ્યાવસાયિકોને આકર્ષી રહ્યા છે. આવા સમયે હવાઈ જોડાણની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી. હવે આ માંગને ધ્યાનમાં રાખીને અદ્યતન સુવિધાઓથી સજ્જ એરપોર્ટ ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું છે, જે મુસાફરોને મહાનગરોના એરપોર્ટ જેવી અનુભૂતિ કરાવશે.

નવા ટર્મિનલમાં મુસાફરોની સુવિધાને કેન્દ્રમાં રાખીને આધુનિક માળખું ઊભું કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર પ્રવેશતાં જ વિશાળ અને સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુસાફરોના સામાનની સુરક્ષા માટે અદ્યતન સ્કેનિંગ સિસ્ટમ, હેન્ડબેગ ચેકિંગ મશીનો, આરામદાયક વેઇટિંગ લાઉન્જ, વ્હીલચેર સુવિધા, કાફેટેરિયા, એરકન્ડિશન્ડ ફૂડ ઝોન તેમજ સરળ ડ્રોપ-ઓફ વ્યવસ્થા જેવી અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સમગ્ર એરપોર્ટ પરિસરમાં હરિયાળી અને આકર્ષક લેન્ડસ્કેપિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે મુસાફરોને સુખદ વાતાવરણનો અનુભવ થશે.

મુંદરા એરપોર્ટની સૌથી મોટી વિશેષતા તેનો લગભગ 1900 મીટર લાંબો રન-વે છે. આ રન-વે મોટા પેસેન્જર વિમાનો ઉપરાંત વિશાળ કાર્ગો એરક્રાફ્ટને પણ સંભાળી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ભવિષ્યમાં વધતી મુસાફરી અને કાર્ગો જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એરપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે તેને લાંબા ગાળે કચ્છના મહત્વપૂર્ણ હવાઈ કેન્દ્ર તરીકે સ્થાપિત કરી શકે છે.

કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ નાના અને મધ્યમ શહેરોને હવાઈ નેટવર્ક સાથે જોડવાના પ્રયાસોને પણ મુંદરા એરપોર્ટના પ્રારંભથી નવી દિશા મળશે. સ્ટાર એર દ્વારા શરૂ થનારી નવી ફ્લાઇટ સેવાઓ મુંદરાને દેશના વિવિધ શહેરો સાથે સીધા અથવા જોડાણ આધારિત માર્ગોથી જોડશે. આ સેવાઓથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને મુસાફરીમાં મોટી રાહત મળશે.

એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ, અદાણી ગ્રુપના પ્રતિનિધિઓ અને સ્ટાર એરના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાવાની તૈયારી ચાલી રહી છે. એરપોર્ટને જોડતા માર્ગોનું સુધારકામ પણ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, જેથી મુસાફરોને સરળ અવરજવર મળી શકે.

હાલ કચ્છમાં ભુજ એરપોર્ટ મુખ્ય હવાઈ મથક તરીકે કાર્યરત છે, જ્યાંથી મુંબઈ, સુરત અને દિલ્હી માટે નિયમિત ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. કંડલા એરપોર્ટ અસ્તિત્વમાં હોવા છતાં હાલમાં ત્યાંથી કોઈ નિયમિત હવાઈ સેવા સંચાલિત થતી નથી. આવા સંજોગોમાં મુંદરા એરપોર્ટ કચ્છનું ત્રીજું સક્રિય હવાઈ મથક બનવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ભવિષ્યમાં માંડવી નજીક એરસ્ટ્રીપ વિકસાવવાની યોજનાઓ પણ ચર્ચામાં છે.

મુંદરા એરપોર્ટના પ્રારંભ સાથે કચ્છના પરિવહન ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. બંદર, ઉદ્યોગ અને હવે હવાઈ જોડાણના મજબૂત માળખા સાથે કચ્છ દેશના સૌથી ઝડપથી વિકસતા વિસ્તારોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે. આ નવી હવાઈ સેવાઓ માત્ર મુસાફરીને સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ વેપાર, પ્રવાસન અને રોકાણની નવી તકોને પણ પ્રોત્સાહન આપશે. કચ્છ માટે આ વિકાસની ઉડાન ખરેખર ઐતિહાસિક સાબિત થવાની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande