કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક પગલું: આદિપુર-ભુજ વચ્ચે ડબલ ટ્રેકને મંજૂરી
કચ્છ, 18 જૂન (હિ.સ.) કચ્છના રેલવે માળખાકીય વિકાસને વધુ મજબૂતી આપતા કેન્દ્ર સરકાર અને ભારતીય રેલવે દ્વારા આદિપુરથી ભુજ વચ્ચેની હાલની સિંગલ રેલવે લાઈનને ડબલ ટ્રેકમાં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 49 કિલોમીટર લા
આદિપુર રેલ્વે સ્ટેશન


કચ્છ, 18 જૂન (હિ.સ.) કચ્છના રેલવે માળખાકીય વિકાસને વધુ મજબૂતી આપતા કેન્દ્ર સરકાર અને ભારતીય રેલવે દ્વારા આદિપુરથી ભુજ વચ્ચેની હાલની સિંગલ રેલવે લાઈનને ડબલ ટ્રેકમાં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 49 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટ માટે 493 કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે, જે કચ્છના પરિવહન, વેપાર અને ઔદ્યોગિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રેલવે નેટવર્કના વિસ્તરણ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. પશ્ચિમ કચ્છમાં નવી રેલવે લાઈનોના નિર્માણથી લઈને પૂર્વ કચ્છમાં વિવિધ રેલવે માળખાકીય પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી રહ્યા છે. આ દરમિયાન આદિપુર-ભુજ વચ્ચેની સિંગલ લાઈન પર વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને ડબલ ટ્રેકની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. હવે આ મંજૂરી મળતા ભવિષ્યમાં મુસાફરો તેમજ માલગાડીઓના સંચાલનમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

અમદાવાદ રેલવે ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ રેલવેની ક્ષમતામાં વધારો કરવા માટે હાથ ધરવામાં આવેલા રાષ્ટ્રીય સ્તરના ડબલિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યક્રમનો ભાગ છે. આગામી વર્ષોમાં કચ્છમાં રેલવે ટ્રાફિકમાં સતત વૃદ્ધિ થવાની સંભાવના હોવાથી સમયસર ક્ષમતા વધારવી જરૂરી બની હતી. અંદાજ મુજબ વર્ષ 2029-30 સુધી આ રેલવે માર્ગની ઉપયોગિતા 123 ટકા સુધી પહોંચી શકે છે, જેના કારણે હાલની સિંગલ લાઈન પર દબાણ વધવાનું નિશ્ચિત છે.

ભુજ-નલિયા ગેજ પરિવર્તન યોજના પૂર્ણ થયા બાદ નલિયા-જખૌ, વાયોર, દેશલપર-હાજીપીર, લુણા અને ધોળાવીરા જેવા વિસ્તારો સુધી રેલવે નેટવર્કના વિસ્તરણની કામગીરી પણ પ્રગતિ પર છે. આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ગાંધીધામ અને ભુજ વચ્ચે માલ અને મુસાફર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થવાનો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આદિપુર-ભુજ ડબલ ટ્રેક યોજના અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રેલવે નિષ્ણાતોના મતે ડબલ ટ્રેક બન્યા બાદ ટ્રેનોના સંચાલનમાં વધુ લવચીકતા આવશે. હાલમાં સિંગલ લાઈન હોવાને કારણે અનેક વખત ટ્રેનોને ક્રોસિંગ માટે રાહ જોવી પડે છે, જેના કારણે વિલંબ સર્જાય છે. નવી ડબલ લાઈન કાર્યરત થયા બાદ ટ્રેનોની સમયબદ્ધતા સુધરશે અને મુસાફરોને વધુ સુવિધાજનક સફરનો લાભ મળશે. સાથે જ ગાંધીધામ સુધી આવતી લાંબા અંતરની કેટલીક ટ્રેનોને ભુજ સુધી વિસ્તૃત કરવાની શક્યતાઓ પણ મજબૂત બનશે. રેલવે તંત્રના અંદાજ મુજબ ભવિષ્યમાં દરરોજ બે નવી મુસાફર ટ્રેનો શરૂ કરવાની ક્ષમતા પણ ઊભી થશે.

માલ પરિવહન ક્ષેત્રે પણ આ પ્રોજેક્ટ કચ્છ માટે અત્યંત લાભદાયક સાબિત થશે. કચ્છનો વિસ્તાર દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને બંદર આધારિત વિસ્તારોમાંનો એક હોવાથી અહીંથી મોટા પ્રમાણમાં માલસામાનનું રેલવે મારફતે પરિવહન થાય છે. ડબલ ટ્રેક બન્યા બાદ દર વર્ષે આશરે 12 મિલિયન ટન વધારાનો માલસામાન રેલવે મારફતે પરિવહન કરી શકાશે, જેના કારણે લોજિસ્ટિક્સ ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને ઉદ્યોગોને ઝડપી પરિવહન સુવિધા મળશે.

અત્રે નોંધનીય છે કે કચ્છમાં હાલમાં હજારો કરોડ રૂપિયાના રેલવે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. ગાંધીધામ-આદિપુર વચ્ચે ચાર રેલ લાઈન કાર્યરત કરવામાં આવી છે, જ્યારે સામખિયાળી-ગાંધીધામ વચ્ચે વધારાની લાઈનોનું નિર્માણ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. ઉપરાંત ગોપાલપુરી રેલવે સ્ટેશનના આધુનિકીકરણ, આદિપુર ખાતે વાય કનેક્ટિવિટી અને નવા પ્લેટફોર્મના નિર્માણ જેવા પ્રોજેક્ટ્સ પણ પ્રગતિના તબક્કામાં છે.

આદિપુર-ભુજ ડબલ ટ્રેક યોજના કચ્છના પરિવહન ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય સાબિત થશે. આ પ્રોજેક્ટ માત્ર રેલવે ક્ષમતામાં વધારો કરશે એટલું જ નહીં, પરંતુ કચ્છના આર્થિક વિકાસ, ઔદ્યોગિક વૃદ્ધિ અને પ્રવાસન ક્ષેત્રને પણ નવી ઊંચાઈઓએ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આગામી સમયમાં કચ્છ વધુ મજબૂત રેલવે કનેક્ટિવિટી સાથે ગુજરાત અને દેશના અન્ય ભાગો સાથે વધુ ઝડપથી જોડાઈ શકશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande