


કચ્છ, 18 જૂન (હિ.સ.) : કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ તેમજ જિલ્લા પાણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ તાલુકાઓમાં નવી પાણી યોજનાઓ, જૂની વ્યવસ્થાના સુધારણા તેમજ પાણી વિતરણમાં ઉભી થતી સમસ્યાઓના ઉકેલ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
બેઠકમાં માંડવી તાલુકાના પદમપર ગામ માટે લોકભાગીદારી આધારિત અંદાજે રૂ. 29.84 લાખની ગ્રામ્ય પીવાના પાણીની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત માંડવી તાલુકાના મોટી રાયણ અને કોડાય (મદનપુર) તેમજ અંજાર તાલુકાના વીરા ગામ માટે નવી પાણી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ગામોમાં પાણીની જરૂરિયાત અને ભવિષ્યની માંગને ધ્યાનમાં રાખીને યોજનાઓને યોગ્ય ગણાવી રાજ્ય સ્તરે મંજૂરી માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
તે ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે તૈયાર કરાયેલા રિજૂવેનેશન કાર્યક્રમ અંતર્ગત રૂ. 1.09 કરોડથી વધુના ખર્ચે ભુજ, માંડવી, અબડાસા, અંજાર અને મુંદ્રા તાલુકાના કુલ નવ ગામોની પાણી યોજનાઓના સુધારણા અને મજબૂતીકરણને પણ લીલી ઝંડી આપવામાં આવી હતી. આ યોજનાઓથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની ગુણવત્તા અને નિયમિતતા વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ગામડાઓમાં વર્ષો જૂની અને જર્જરિત બની ગયેલી ઊંચી પાણીની ટાંકીઓ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે કેટલીક જગ્યાએ આવી ટાંકીઓ અકસ્માત અને જાનહાનિનું કારણ બની શકે છે. તેથી તમામ શંકાસ્પદ માળખાઓનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી પરીક્ષણ કરાવી જરૂરી જણાય ત્યાં નિયમ મુજબ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ જોખમી સ્થળોને કોર્ડન કરીને ચેતવણી બોર્ડ લગાવવાની અને ગ્રામ પંચાયતોને આ અંગે સાવચેતીના આદેશો આપવાની પણ સૂચના આપવામાં આવી હતી.
જિલ્લાના કેટલાક ગામોમાં વારંવાર પાણીની ફરિયાદો ઉઠતી હોવાના મુદ્દે પણ બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અધિકારીઓના મતે પૂરતી સ્ટોરેજ ક્ષમતાનો અભાવ, વાલ્વમેન અથવા પંપ ઓપરેટરની અછત, તેમજ નિષ્ક્રિય પાણી સમિતિઓ જેવી સમસ્યાઓને કારણે પાણી વિતરણમાં અવરોધો સર્જાઈ રહ્યા છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે તાલુકા વિકાસ અધિકારીઓને સઘન કામગીરી હાથ ધરવા અને સ્થાનિક સ્તરે વ્યવસ્થાને વધુ સક્રિય બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
ગ્રામ્ય પાણી યોજનાઓમાં ગેરકાયદેસર રીતે મુખ્ય લાઇનમાંથી સીધા જોડાણો લેવામાં આવતા હોવાના મુદ્દે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. આવા ગેરકાયદેસર જોડાણોને કારણે છેવાડાના વિસ્તારો સુધી પૂરતું પાણી પહોંચતું નથી અને અનેક ગામોમાં પાણીની અછત સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે વિશેષ ઝુંબેશ ચલાવી પાણી ચોરી કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા વિભાગને આગોતરું આયોજન તૈયાર કરવા, જરૂરી નાણાંકીય અને તકનીકી સાધનો ઉપલબ્ધ રાખવા તેમજ જરૂરિયાત મુજબ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં ભવિષ્યમાં વધતી વસ્તી અને ઝડપથી વધી રહેલા ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખીને પાણીની માંગમાં થનારા વધારાનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ માત્ર નર્મદાના પાણી પર નિર્ભર ન રહેતા સ્થાનિક જળસ્રોતોના સંવર્ધન પર ભાર મૂક્યો હતો. કૂવા, તળાવો અને ચેકડેમ જેવા પરંપરાગત જળસ્રોતોને પુનઃજીવિત કરવા, રિચાર્જ કરવાની કામગીરી વધારવા અને જરૂરિયાત મુજબ નવા તળાવો તથા નાના ચેકડેમોના નિર્માણને પ્રોત્સાહન આપવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્ર, પાણી પુરવઠા વિભાગ, વાસ્મો, આરોગ્ય, શિક્ષણ, વન, સમાજ કલ્યાણ, પંચાયત, નગરપાલિકા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓના અધિકારીઓ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે બેઠક સાથે જોડાયા હતા. બેઠકમાં લેવાયેલા નિર્ણયો આગામી સમયમાં કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar