હેકિંગના ખતરાથી આરટીઓ સેવાઓ પર અસર: કચ્છ સહિત રાજ્યભરમાં લાયસન્સ કામગીરી ધીમી, અરજદારો મુશ્કેલીમાં
કચ્છ, 18 જૂન (હિ.સ.) : ગુજરાત સહિત દેશભરની માર્ગ પરિવહન કચેરીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ અવરોધોને કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ, રિન્યુઅલ અને અન્ય ઓનલાઈન સેવાઓ માટે આવત
આર ટી ઓ કચેરી ભુજ


કચ્છ, 18 જૂન (હિ.સ.) : ગુજરાત સહિત દેશભરની માર્ગ પરિવહન કચેરીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ અવરોધોને કારણે નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ, રિન્યુઅલ અને અન્ય ઓનલાઈન સેવાઓ માટે આવતા અરજદારોની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાથી અનેક સ્થળોએ લાંબી કતારો જોવા મળી રહી છે. કચ્છ જિલ્લાની આરટીઓ કચેરીઓ પણ આ પરિસ્થિતિથી અછૂતી રહી નથી.

મળતી માહિતી મુજબ, દેશભરમાં આરટીઓની વિવિધ સેવાઓ માટે ઉપયોગમાં લેવાતા એનઆઈસી સંચાલિત ‘સારથિ’ પોર્ટલ સામે વિદેશી સાયબર હુમલાનો પ્રયાસ થયો હોવાની ચર્ચાઓએ ઘટનાની ગંભીરતા વધારી દીધી છે. રાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત અહેવાલોમાં જણાવાયું છે કે સંદિગ્ધ પાકિસ્તાની અને ચીની હેકર્સ દ્વારા પોર્ટલમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓ અને ટેકનિકલ નિષ્ણાતોએ સમયસર પગલાં લેતાં કોઈપણ પ્રકારની ડેટા ચોરી કે નુકસાન થતું અટકાવવામાં સફળતા મેળવી હોવાનું કહેવાય છે.

સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા પોર્ટલની કામગીરી પર વધારાની દેખરેખ રાખવામાં આવી હતી. તેના પરિણામે સિસ્ટમના કેટલાક ભાગો પર તાત્કાલિક અસર જોવા મળી હતી. જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સ સહિતનો મહત્વનો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ માહિતી સાથે ચેડાં થયાના પુરાવા મળ્યા નથી.

કચ્છમાં ભુજ સહિતની આરટીઓ કચેરીઓમાં અરજદારોની સંખ્યા છેલ્લા દિવસોમાં નોંધપાત્ર રીતે વધી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની ભરતી પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ઉમેદવારો લાયસન્સ સંબંધિત કામો માટે આરટીઓ કચેરીઓનો સંપર્ક કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સર્વરની ધીમી ગતિએ કામગીરી થવાને કારણે અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે.

આરટીઓના સૂત્રો અનુસાર સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી નથી, પરંતુ સર્વર વારંવાર ધીમું પડતું હોવાથી અરજીઓની પ્રક્રિયા અને દસ્તાવેજોની ચકાસણીમાં વધુ સમય લાગી રહ્યો છે. પરિણામે રોજિંદી કામગીરીનો વેગ ઘટી ગયો છે અને કચેરીઓમાં લોકોની ભીડ વધી રહી છે.

ટેક્નિકલ નિષ્ણાતોનું માનવું છે કે સાયબર હુમલાના પ્રયાસો બાદ સુરક્ષા સ્તર મજબૂત કરવા માટે કરવામાં આવતા પગલાંઓના કારણે પણ કેટલીકવાર સિસ્ટમની કામગીરી પ્રભાવિત થતી હોય છે. જોકે તંત્ર દ્વારા સ્થિતિને ઝડપથી સામાન્ય બનાવવા પ્રયાસો હાથ ધરાયા છે. આગામી દિવસોમાં સર્વરની ક્ષમતા વધારીને અને ટેકનિકલ ખામીઓ દૂર કરીને સેવાઓને ફરી સંપૂર્ણ ગતિ આપવા માટે કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

આ સમગ્ર ઘટનાએ સરકારી ડિજિટલ સેવાઓની સુરક્ષા અને સાયબર જોખમો સામેની તૈયારી અંગે નવી ચર્ચા જગાવી છે. બીજી તરફ, લાયસન્સ અને અન્ય આરટીઓ સેવાઓ માટે આવતા સામાન્ય નાગરિકો આશા રાખી રહ્યા છે કે ટેકનિકલ સમસ્યાઓનો જલદી ઉકેલ આવશે અને કામગીરી ફરી નિયમિત બનશે. હાલમાં તંત્ર તરફથી લોકોને ધીરજ રાખવા અને જરૂરી હોય ત્યારે જ કચેરીની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande