
-
સાંજે ઓંકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી આરતીમાં સામેલ થશે રાષ્ટ્રપતિ
ભોપાલ, નવી દિલ્હી, 18 જૂન (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મધ્ય પ્રદેશના પાંચ દિવસીય પ્રવાસના પ્રથમ દિવસે ગુરુવારે બૈતુલમાં આયોજિત જનજાતીય મહાસંમેલનમાં ભાગ લીધા બાદ પવિત્ર નગરી ઓંકારેશ્વર પહોંચ્યાં, જ્યાં તેમનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ અહીં સાંજે ઓંકારેશ્વર-મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી આરતીમાં સામેલ થશે.
રાષ્ટ્રપતિ મુર્મુનું ઓંકારેશ્વર આગમન પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને સંસ્કૃતિ તથા પ્રવાસન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તેમજ પ્રભારી મંત્રી ધર્મેન્દ્ર ભાવસિંહ લોધીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કર્યું. આ ઉપરાંત જનજાતીય કાર્ય મંત્રી ડૉ. કુંવર વિજય શાહ, સાંસદ જ્ઞાનેશ્વર પાટીલ, ધારાસભ્યો નારાયણ પટેલ, છાયા મોરે અને કંચન તન્વે, ખંડવા મહાપૌર અમૃતા અમર યાદવે પણ તેમનું સ્વાગત કર્યું.
આ પ્રસંગે અપર મુખ્ય સચિવ અશોક બર્ણવાલ, ડીઆઈજી સિદ્ધાર્થ બહગુણા, કલેક્ટર ઋષવ ગુપ્તા, પોલીસ અધિક્ષક અગમ જૈન સહિત અન્ય જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ હાજર રહ્યા.
બૈતુલમાં હેલિપેડ પર આપવામાં આવી આત્મીય વિદાય
આ પહેલાં રાષ્ટ્રપતિ મુર્મુ અને રાજ્યપાલ પટેલને બૈતુલ હેલિપેડ પર સ્થાનિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આત્મીય વિદાય આપવામાં આવી. હેલિપેડ પર કેન્દ્રીય જનજાતીય કાર્ય મંત્રી ડી.ડી. ઉઈકે, લોક સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલ, અપર મુખ્ય સચિવ સંજય શુક્લા, કલેક્ટર ડૉ. સૌરભ સંજય સોનવણે અને પોલીસ અધિક્ષક વીરેન્દ્ર જૈને રાષ્ટ્રપતિને આત્મીય વિદાય આપી.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ