
મહેસાણા, 18 જૂન (હિ.સ.)મેલેરિયા શાખા જિલ્લા પંચાયત મહેસાણા અને તાલુકા આરોગ્ય કચેરી વિસનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડા દ્વારા ‘ગુજરાત વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ રેગ્યુલેશન-2017’ અંતર્ગત વિશેષ ચકાસણી અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન તારીખ 4 જૂનથી 8 જૂન 2026 દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરવડાના કાર્યક્ષેત્ર હેઠળ આવેલી વિવિધ ફેક્ટરીઓમાં યોજાયું હતું.
અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગની ટીમોએ ફેક્ટરી પરિસરોમાં મચ્છરજન્ય રોગોના સંભવિત પ્રજનન સ્થળોની તપાસ કરી હતી. પાણી ભરાયેલા સ્થળો, ટાંકા, કૂલિંગ સિસ્ટમ અને અન્ય વિસ્તારોમાં લાર્વાની હાજરી અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ ફેક્ટરી સંચાલકો અને કર્મચારીઓને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના વેક્ટરજન્ય રોગોથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગે સ્વચ્છતા જાળવવા, પાણીનો ભરાવો ન થવા દેવા તેમજ મચ્છર નિયંત્રણ માટે નિયમિત પગલાં લેવા સૂચના આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વેક્ટરજન્ય રોગો સામે અસરકારક નિયંત્રણ માટે જાહેર સહભાગિતા અને જાગૃતિ અત્યંત જરૂરી છે.
આ અભિયાન દ્વારા ફેક્ટરી વિસ્તારોમાં આરોગ્ય સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રોગચાળો અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR