
મહેસાણા, 18 જૂન (હિ.સ.)મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી અને જરૂરી સેવાઓનો લાભ લીધો હતો.
શિબિર દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોને આવાસ, આરોગ્ય, સામાજિક સુરક્ષા, પેન્શન, આયુષ્યમાન ભારત યોજના, આધાર સંબંધિત સેવાઓ તેમજ અન્ય સરકારી સહાય યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર જ અરજીઓ સ્વીકારી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સહાય કરી હતી.
આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે આવા જન કલ્યાણ શિબિરો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. શિબિર દ્વારા નાગરિકોને વિવિધ કચેરીઓના ધક્કા ખાવાની જરૂરિયાત વગર એક જ સ્થળે અનેક સેવાઓ ઉપલબ્ધ બની હતી.
નાગરિકોએ પણ આ પહેલને આવકારી સરકારની યોજનાઓ અંગે સરળતાથી માહિતી અને માર્ગદર્શન મળતા સંતોષ વ્યક્ત કર્યો હતો. શિબિરનું આયોજન સુચારૂ રીતે સંપન્ન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR