
મહેસાણા, 18 જૂન (હિ.સ.)મહેસાણા તાલુકાના લાગણજ ગામે આજરોજ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.
શિબિરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોને આધારકાર્ડ સંબંધિત સેવાઓ, સમાજ સુરક્ષા યોજનાઓ, આરોગ્યલક્ષી સેવાઓ તેમજ અન્ય સરકારી સહાય યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. લાભાર્થીઓને સ્થળ પર જ જરૂરી અરજીઓ, દસ્તાવેજી પ્રક્રિયા અને માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચે તે માટે રાજ્યભરમાં જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા લોકોની સમસ્યાઓનું નિરાકરણ નજીકના સ્થળે જ શક્ય બનતું હોવાથી સમય અને ખર્ચ બંનેની બચત થાય છે.
શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. ગ્રામજનોએ સરકારની યોજનાઓ અંગે વિગતવાર માહિતી મળતા અને સ્થળ પર જ જરૂરી સેવાઓ ઉપલબ્ધ થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR