
મહેસાણા, 18 જૂન (હિ.સ.) વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક, લોકસભા સાંસદ હરિ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પ્રગતિશીલ ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી આધારિત વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈને ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ નીતિન પટેલે ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી થતી હાનિ અંગે માહિતગાર કરી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. રાજ્યસભા સાંસદ મયંક નાયકે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની માહિતી આપી હતી. જ્યારે લોકસભા સાંસદ હરિ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના તાલીમ કાર્યક્રમોમાં જોડાઈ સરકારની યોજનાઓનો લાભ લેવા હાકલ કરી હતી.
પરિસંવાદના ટેકનિકલ સત્રમાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિ, જમીનની ફળદ્રુપતા જાળવવા તેમજ ખેતી ખર્ચ ઘટાડવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ વિભાગના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR