
રાજપીપળા,18 જૂન (હિ.સ.) ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી પ્રવિણ માળીના હસ્તે રાજપીપળા સ્થિત ગુજરાત રેન્જર્સ ફોરેસ્ટ કોલેજ, વડિયા પેલેસ ખાતે સ્થાપિત સિંહની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે રેન્જર્સ કોલેજના તાલીમાર્થીઓ સાથે ક્લાસરૂમમાં આત્મીય સંવાદ સાધી તેમને વનસંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના ક્ષેત્રમાં સમર્પિત ભાવના સાથે કાર્ય કરવા પ્રેરિત કર્યા હતા.
મંત્રી પ્રવિણ માળીએ તાલીમાર્થીઓ સાથે પ્રશ્નોત્તરીના સ્વરૂપમાં ચર્ચા કરી વનવિભાગને લગતા વિવિધ કાયદા, સુધારા, અમલવારીની પ્રક્રિયા તેમજ મેદાની પડકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વનવિભાગ માત્ર સરકારી નોકરીનું ક્ષેત્ર નથી, પરંતુ પ્રકૃતિ, પર્યાવરણ અને આવનારી પેઢીઓ પ્રત્યેની જવાબદારી નિભાવવાનું એક પવિત્ર કાર્યક્ષેત્ર છે.
મંત્રીએ તાલીમાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, “આજે તમે તાલીમના તબક્કામાં છો, પરંતુ આવનારા સમયમાં વિવિધ વિસ્તારોમાં ફોરેસ્ટ અધિકારી અને વનવ્યવસ્થાપક તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશો. જ્યાં પણ ફરજ બજાવવાની તક મળે ત્યાં સંવેદનશીલતા, પ્રામાણિકતા અને માનવતાના અભિગમ સાથે કામ કરજો. લોકોની સમસ્યાઓને સમજવાનો અને તેનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશો તો તમારું કાર્ય વધુ અસરકારક બનશે.”
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વનઉત્પાદનોની ખરીદી માટે સરકાર દ્વારા લઘુ વન પેદાશોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ આવરી લેવામાં આવી છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ખરીદી અને લાભાર્થીઓ વચ્ચે ગેપ જોવા મળે છે. આ અંતર ઘટાડવા માટે યુવા વન અધિકારીઓએ મેદાનમાં જઈને વાસ્તવિક પરિસ્થિતિઓ સમજવી અને સ્થાનિક સમુદાયોને વધુમાં વધુ લાભ મળે તે માટે પ્રયાસશીલ રહેવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, “સંભાવનાઓ દરેક ક્ષેત્રમાં હોય છે, પરંતુ તેને સાકાર કરવા માટે સકારાત્મક અને સર્જનાત્મક વિચારસરણી જરૂરી છે. વિચારશો તો નવા માર્ગ ખુલશે, નવી તકો ઊભી થશે અને વિકાસની ગતિ વધુ તેજ બનશે. માત્ર નિયમોના અમલ સુધી મર્યાદિત ન રહી નવી પહેલ અને નવતર અભિગમ અપનાવવાની હિંમત રાખજો તેમ કહી તાલીમાર્થીઓને ખેડૂતો સાથે વધુ નજીકથી કામ કરી વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના પ્રયાસોને વેગ આપવા અનુરોધ કર્યો હતો.
મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, “દેશનું વનકવચ વધારવામાં તમારો ફાળો અત્યંત મહત્વનો રહેશે. સામાજિક વનીકરણના માધ્યમથી ખેડૂતોને જોડીને હરિયાળું હરિયાળું ભારત નિર્માણ કરવાની સુંદર તક તમને મળી છે. આ તકને સેવા અને સમર્પણના અવસરમાં પરિવર્તિત કરજો.”
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ