
રાજપીપળા,18 જૂન (હિ.સ.) જાહેર જીવનમાં વ્યસ્તતા વચ્ચે પણ બાળકો પ્રત્યેની આત્મીયતા અને સંવેદનશીલતા વ્યક્ત કરતો એક હૃદયસ્પર્શી પ્રસંગ નાંદોદ તાલુકાના વડિયા ગામે જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી મંત્રી પ્રવિણ માળીએ બાળકો સાથેનો નિખાલસ સંવાદ કરી સૌના દિલ જીતી લીધા હતા.
વડિયા ગામે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં હાજરી આપ્યા બાદ રાજ્યમંત્રી ગ્રામ પંચાયત ભવનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નજીકની સરકારી શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા નાનકડા વિદ્યાર્થીઓ તેમની નજરે ચઢ્યા. બાળકોને જોઈ તેઓ તરત જ તેમની વચ્ચે પહોંચી ગયા અને આત્મીયતાપૂર્વક તેમની સાથે વાતચીત કરી હતી.
મંત્રીએ બાળકોના અભ્યાસ, શાળા જીવન અને ભવિષ્યના સપનાઓ વિશે રસપૂર્વક પૂછપરછ કરી હતી. બાળકો સાથેના આ નિખાલસ સંવાદ દરમિયાન તેમણે તેમને પ્રેમપૂર્વક વ્હાલ આપ્યું અને નજીકની દુકાનમાંથી જાતે ચોકલેટ ખરીદી બાળકોને વહેંચી હતી. અચાનક મળેલા આ સ્નેહ અને પ્રોત્સાહનથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી હતી.
આ વેળાએ રાજ્યમંત્રીએ બાળકોને મન લગાવી અભ્યાસ કરવા, સારા સંસ્કારો અપનાવવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રીના આ સરળ, સહજ અને સંવેદનશીલ વર્તનથી બાળકોમાં પણ વિશેષ આનંદ જોવા મળ્યો હતો. ચોકલેટ અને સ્નેહભર્યા આશીર્વાદ મેળવતા બાળકો કિલ્લોલ સાથે ઝૂમી ઉઠ્યા હતા અને તેમણે મંત્રીનો હર્ષભેર આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો પ્રત્યેના પ્રેમ, લાગણી અને સંવેદનાથી ભરેલો આ પ્રસંગ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ