જામનગર નજીક સચાણામાંથી સગીરા ગુમ : અપહરણ થઈ ગયાની ફરિયાદ
જામનગર, 18 જૂન (હિ.સ.) : જામનગર જિલ્લાના સચાણા ગામે રહેતી 17 વર્ષની સગીરા છેલ્લા 18 દિવસથી રહસ્યમય સંજોગોમાં લાપતા બનતાં પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘટનાને લઈને પરિવારજનોએ અપહરણની આશંકા વ્યક્ત કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા
ફરિયાદ


જામનગર, 18 જૂન (હિ.સ.) :

જામનગર જિલ્લાના સચાણા ગામે રહેતી 17 વર્ષની સગીરા છેલ્લા 18 દિવસથી રહસ્યમય સંજોગોમાં લાપતા બનતાં પરિવારમાં ભારે ચિંતાનો માહોલ છવાયો છે. ઘટનાને લઈને પરિવારજનોએ અપહરણની આશંકા વ્યક્ત કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સચાણા ગામે પરિવાર સાથે રહેતી સગીરા તા.31 મેના રોજ અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શરૂઆતમાં સ્વજનો, સંબંધીઓ તેમજ મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાં રહેતા પરિચિતોનો સંપર્ક કરી શોધખોળ હાથ ધરી હતી. જોકે સગીરાનો કોઈ પત્તો ન લાગતાં આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું કોઈ અજાણ્યા શખ્સે અપહરણ કરી લઈ ગયો હોવાની દિશામાં તપાસ શરૂ કરી છે. તપાસના ભાગરૂપે પોલીસે સગીરાના મોબાઇલ ફોનનું લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ મોબાઇલ સતત સ્વિચ ઓફ આવતો હોવાથી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી.

આ ઉપરાંત પોલીસે સગીરા લાપતા બની તે સ્થળ તેમજ ગામ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી છે. પોલીસ દ્વારા સગીરાની સગાઈ જે યુવક સાથે થઈ હોવાનું જાણવા મળ્યું છે તેની પણ પૂછપરછ કરવામાં આવી છે. સાથે જ ગામના કેટલાક શકમંદ લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કડી હાથ લાગી નથી. પંચકોશી એ ડિવિઝન પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરી સગીરાની ભાળ મેળવવાના પ્રયાસો તેજ કર્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ માહિતી મળવાની આશા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande