
એવિયન (ફ્રાન્સ), 18 જૂન (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, જી-7 શિખર સંમેલન દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી શેર કરતાં જણાવ્યું કે, બંને દેશો વચ્ચે તાજેતરમાં સહકાર અને પરસ્પર સંપર્કમાં સતત વધારો થયો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીના રૂપમાં દેખાઈ રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, બેઠક દરમિયાન ભારત અને યુક્રેન વચ્ચેના દ્વિપક્ષીય સહકારના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. બંને નેતાઓએ આ બાબત પર સહમતિ વ્યક્ત કરી કે, વેપારી સંબંધોને યુદ્ધ-પૂર્વ સ્તર સુધી પુનઃસ્થાપિત કરવાની જરૂર છે, જેથી આર્થિક સહકારને ફરીથી મજબૂતી મળી શકે.
તેમણે પોતાના સંદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું કે, ભારત હંમેશાં શાંતિના પક્ષમાં ઊભું રહેશે અને માનવીય મૂલ્યોને સર્વોપરી રાખીને પોતાની ભૂમિકા નિભાવતું રહેશે. બેઠકને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જી-7 સંમેલન દરમિયાન થયેલી આ મુલાકાત, વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે સંવાદ અને કૂટનીતિક પ્રયાસોને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ