નમો લક્ષ્મી યોજના થકી મળતી સ્કોલરશીપથી ધો.11માં અભ્યાસ કરી રહેલી સુરતની ઇશા ભાસ્કરનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર
સુરત, 18 જૂન (હિ.સ.): વડાપ્રધાનના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી હેઠળ જન-જન સુધી વિવિધ સેવા અને યોજનાકીય લાભોનું મોટાં પાયે વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે સુરતની આર.એન નાયક હાઈસ્કુલના ધો.11માં અભ્યાસ કરતી ઇશા હરીશભાઈ ભાસ્કરનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સા
Surat


સુરત, 18 જૂન (હિ.સ.): વડાપ્રધાનના સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણી હેઠળ જન-જન સુધી વિવિધ સેવા અને યોજનાકીય લાભોનું મોટાં પાયે વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે સુરતની આર.એન નાયક હાઈસ્કુલના ધો.11માં અભ્યાસ કરતી ઇશા હરીશભાઈ ભાસ્કરનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર કરવામાં રાજ્ય સરકારની ‘નમો લક્ષ્મી યોજના’ અગત્યનો ભાગ અદા કરી રહી છે.

કિશોરીઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણ સહિત સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતી ‘નમો લક્ષ્મી યોજના’ ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક ગરીબ તેમજ મધ્યમ વર્ગીય દીકરીઓ માટે વરદાનરૂપ છે. આ વાતની પ્રતીતિ કરાવતા ઈશાએ કહ્યું કે, તેમના માતા પિતા બંને નાનું-મોટું કામ કરી રોજી રળે છે. અને મારા ઉચ્ચ અભ્યાસની ઈચ્છા તેમના માટે આર્થિક ચિંતા વધારતી હતી. પરંતુ રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધો.9 થી 12માં મળતી કુલ રૂ.50 હજારની સહાયે મારા માતા-પિતાની સાથે મને પણ એકદમ નિશ્ચિંત કરી દીધી છે. દર મહીને મળતી ચોક્કસ રકમથી મારા સ્વાસ્થ્ય અને શિક્ષણ બંનેની યોગ્ય દરકાર થાય છે. અને હું સંપૂર્ણપણે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકું છું.

ભવિષ્યમાં સરકારી શાળામાં શિક્ષક બનવાનું સ્વપ્ન સેવતી ઇશા માટે આ યોજના સંકટ સમયની સાંકળ પુરવાર થઇ છે. અને માત્ર ઇશા જ નહીં, પણ તેના જેવી અનેક દીકરીઓ હવે આર્થિક તંગીને કારણે ઉચ્ચ અભ્યાસથી વંચિત નહીં રહે. પરંતુ ઉચ્ચ ભણતર અને ઉજ્જવળ ભવિષ્ય સાથે જિલ્લા, રાજ્ય સહિત દેશનું ગૌરવ વધારશે.

દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા શરૂ કરાયેલી રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળામાં ધોરણ 9 થી 12માં ભણતી કન્યાઓને વાર્ષિક શિષ્યવૃત્તિ દ્વારા કુલ રૂ.50 હજારની સહાય આપવામાં આવે છે. જેમાં ધો.9 અને 10માં રૂ.10-10 હજાર તેમજ ધો.11 અને 12માં રૂ.15-15 હજાર DBT(ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર) મારફતે ચુકવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીનીના પરિવારની વાર્ષિક આવક રૂ.6 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande